
પંચમહાલ જિલ્લામાં સરકારી નાણાંની ઉચાપતનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગોધરા શહેર ટ્રાફિક પોલીસ શાખામાં થયેલી આ ગેરરીતિએ સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે.
માહિતી મુજબ, ગોધરા સીટી ટ્રાફિક પોલીસ શાખામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા એ.એસ.આઈ સમરથબેન નાઈ અને પંચમહાલ એસ.પી ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા GRD જવાન વિજયભાઈ ડામોરે ભેગા મળી સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ મળીને કુલ રૂપિયા 6.49 લાખની રકમ ગેરરીતે પોતાના સંબંધીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનું બહાર આવ્યું છે.

તપાસમાં ખુલ્યું છે કે જૂન 2024 થી ફેબ્રુઆરી 2025 દરમ્યાન આ ગેરરીતિ આચરવામાં આવી હતી. ટ્રાફિક બ્રિગેડના સભ્યોને મળતા માનદ ભથ્થાની રકમમાં છેડછાડ કરીને આરોપીઓએ પોતાના પરિવારજનોના નામ અને બેન્ક વિગતો દાખલ કરી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
ખાસ કરીને, મહિલા એએસઆઈ દ્વારા ટ્રાફિક બ્રિગેડના સત્તાવાર રેકોર્ડમાં ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે નાણાં ઉપાડવાની યોજના ઘડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાએ વિભાગની આંતરિક કામગીરી અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
સમગ્ર મામલે ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેમજ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારાઈ રહી છે.આ ઘટના ફરી એકવાર સરકારી નાણાંની સુરક્ષા અને પારદર્શિતા અંગે ચિંતાઓ ઉભી કરે છે. હવે જોવાનું રહ્યું કે તપાસમાં વધુ કયા ખુલાસા થાય છે અને દોષિતો સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે