કોણ બનશે ગોધરા શહેરના પ્રથમ નાગરિક? : રોટેશન મુજબ ઓબીસી મહિલાના ફાળે જશે તાજ, પ્રમુખ પદની રેસમાં 3 મહિલા વચ્ચે ખરાખરીનો જંગ

ગોધરા પાલિકામાં ભાજપે 27 બેઠકો મેળવીને પૂર્ણ બહુમત કરતાં વધુ બેઠકો મેળવીને પાલિકાની સત્તા મેળવી છે. ત્યારે ગોધરા શહેરના પ્રથમ નાગરીક એવા પાલિકા પ્રમુખમાં રોટેશન મુજબ ઓબીસી મહિલા ઉમેદવાર હોવાથી ભાજપના 3 ઉમેદવારની પ્રબળ દાવેદારી મનાય છે. ત્યારે ભાજપ કોને મેન્ડેટ આપે છે. તેની પર સૌની નજર છે.

ગોધરા નગર પાલિકામાં ભાજપે બહુમતી સાથે બેઠકો જીતીને ઇતિહાસ સર્જયો છે. પાલિકાની કુલ 44 બેઠકમાંથી ભાજપે 27 બેઠક જીતીને પાલિકા કબજે કરી છે. અગાઉ ભાજપ પાલિકા કબજે કરવા અપક્ષનો સહારો લેવો પડતો હતો. પણ આ વખતે ભાજપે એકલા હાથે બહુમતી ઉપર બેઠક મેળવી છે.હવે ગોધરા પાલિકાના પ્રમુખ માટે ભાજપ સેન્સ લે છે કે પછી પ્રમુખની વરણી પક્ષના નિયમો મુજબ કરશે તેની ચર્ચાઓ કાર્યકરોમાં ચાલી રહી છે. ત્યારે ભાજપ પ્રમુખ તરીકે પક્ષને વફાદારો હોઇ સાથે બધાને સાથે લઇને ચાલનારને પ્રમુખના ઉમેદવાર જાહેર કરે તેવી વકી દેખાઇ રહી છે.

પાલિકામાં રોટેશન મુજબ ઓબીસી મહિલા ઉમેદવાર પ્રમુખના દાવેદાર બની શકે છે. ઓબીસી મહિલા ઉમેદવારે પ્રમુખ બનવા હોટ ફેવરિટ હોવાથી ભાજપના વિજયી બનેલા 27 ઉમેદવારમાં 3 ઓબીસી ઉમેદવારો વચ્ચે હરીફાઇ થવાની શકયતાઓ સેવાઇ રહી છે.પાલિકાનું પ્રથમ બોર્ડ 15 દિવસ બાદ યોજાવાની શકયતાઓ છે. ત્યારે ભાજપ દ્વારા પાલિકા પ્રમુખ માટે પક્ષના આદેશ બાદ કાર્યવાહી શરૂ કરવાના છે.

ત્યારે ઓબીસી મહિલા ઉમેદવારોએ લોબિંગ ચાલુ કરીને પાલિકાની ખુરશી મળે તેવા પ્રયત્નો ચાલુ કર્યા છે. પણ ભાજપના ઓબીસી મહિલા 3માંથી ફકત 1 શિક્ષિત છે જ્યારે બે ધોરણ 10 પાસ પણ નથી. આખરે ભાજપ જેને મેન્ડેટ આપશે તે ગોધરા પાલિકાના પ્રમુખ બનશે.

ભાજપના આ 3 ઓબીસી મહિલા ઉમેદવારો હાલ તો પ્રબળ દાવેદાર મનાય છે

વોર્ડ-2- જશોદાબેન બાબુભાઇ પ્રજાપતિ : ભાજપના ઓબીસી ઉમેદવાર જશોદાબેન બાબુભાઇ પ્રજાપતિ વોર્ડ 2 માં 2482 મત મેળવીને ભાજપની પેનલ સાથે વિજેતા બન્યા છે. તેઓ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે.

જશોદાબેન ઉમેદવારી ફોર્મમાં આપેલ એફિડેવિટ મુજબ જશોદાબેન વર્ષ 1981 માં ધોરણ 8 પાસ કરેલ બતાવ્યું છે. તે ભાજપના કાર્યકર તો છે પણ તેઓ ભણેલા બહુ છે નહિ. તેમ છતાં વોર્ડ 2 માં ભાજપની પેનલ વિજેતા બનતાં ભાજપ જશોદાબેન પણ પ્રમુખ બનવા એડીચોટીનુ જોર લાગવી રહ્યા છે.

વોર્ડ-3- શ્રૃતિબેન યાજ્ઞિકભાઇ બારીયા : ભાજપના ઓબીસી ઉમેદવાર શ્રૃતિબેન યાજ્ઞિકભાઇ બારીયા વોર્ડ 3માં બિનહરીફ થયા હતા. વોર્ડ 3માં એક ઉમેદવાર બિનહરીફ થતાં વોર્ડમાં ભાજપની પેનલ આવી છે. શ્રૃતિબેને ઉમેદવારી ફોર્મમાં એફિડેવિટમાં બીએસસી એમ.એડ. સુધી ભણેલા બતાવ્યું છે. શ્રૃતિબેનના પરિવારજનો ભાજપ સાથે સંકળાયેલા છે.

શિક્ષિત ઉમેદવાર અને પાલિકામાં સમાવેશ થયેલ ગોવિંદી વિસ્તારમાંથી આવે છે. વોર્ડ 3માં ભાજપની પેનલ આવેલ હોવાથી ભાજપના નિયમ મુજબ શ્રૃતિબેન પાલિકાના પ્રમુખના શ્રેષ્ઠ ઉમેદવાર માનીને લોબિંગ ચાલુ કર્યું છે.

વોર્ડ-5- પારૂલબેન રાજુભાઇ દરજી : પાલિકાના માજી પ્રમુખ રાજુભાઇની પત્ની પારૂલબેન દરજી વોર્ડ 5 માં 2291 મતથી વિજેતા બન્યા છે. રાજુભાઇ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા. વર્ષ 2021માં અપક્ષ ઉમેદવારી નોંધાવતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પારૂલબેને ઉમેદવારી ફોર્મના એફિડેવિટમાં વર્ષ 1982માં તેમણે ધોરણ 9 પાસ કર્યાનુ બતાવ્યું છે.

વોર્ડ 5 માં ભાજપના એક ઉમેદવાર હારી જતાં ભાજપની પેનલ વોર્ડ 5 માં ખંડિત થઇ છે. ત્યારે પાલિકાના પ્રમુખની સીટ મેળવવા રાજ્યકક્ષાએ ગોડફાધરોના શરણે જઇને લોબિંગ શરૂં કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.