ગરબાડા તાલુકા પંચાયતમાં ભાજપના નીલાબેન દેવધા પ્રમુખ અને રમણભાઈ ભુરીયા ઉપપ્રમુખ.

ગરબાડા તાલુકા પંચાયતમાં ભાજપના નીલાબેન દેવધા પ્રમુખ અને રમણભાઈ ભુરીયા ઉપપ્રમુખ.

ગરબાડા તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ એકચક્રી શાસન સ્થાપીને પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. ચૂંટણી અધિકારી સી.એલ. ગોહિલની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે અપેક્ષા કરતાં પણ મોટું અને પ્રચંડ બહુમત મેળવીને ભવ્ય વિજય ધ્વજ લહેરાવ્યો છે.

તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં બીજેપીએ ૨૪ માંથી ૧૫ બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. પરંતુ, પ્રમુખની ચૂંટણીમાં ભાજપની લોકપ્રિયતાનો ગ્રાફ એટલો ઊંચો ગયો કે પ્રમુખ પદના ઉમેદવાર નીલાબેન શૈલેષભાઈ દેવધાને કુલ ૨૧ સભ્યોનું પ્રચંડ સમર્થન મળ્યું અને તેઓ વિજેતા બન્યા. જ્યારે ઉપપ્રમુખ પદે રમણભાઈ જોતીયાભાઈ ભુરીયા ૧૯ સભ્યોના મજબૂત સમર્થન સાથે નિયુક્ત થયા છે. અન્ય પક્ષો અને અપક્ષના સભ્યોએ પણ ભાજપના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને આ સમર્થન આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગરબાડાના વિકાસને નવી ગતિ આપવા માટે ભાજપના પીઢ સભ્યોને મહત્વની જવાબદારી સોંપાઈ છે

પ્રમુખ: નીલાબેન શૈલેષભાઈ દેવધા ઉપપ્રમુખ: રમણભાઈ જોતીયાભાઈ ભુરીયા કારોબારી ચેરમેન:વિનુભાઈ રમણભાઈ ભાભોર પક્ષના નેતા: પરેશભાઈ લીંબાભાઈ ગણાવા , દંડક: શરદકુમાર અમરસિંહ પલાસ

નવીન વરણી થતાં જ ગરબાડા તાલુકા પંચાયત સંકુલ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહારથી લાડ લડાવવામાં આવ્યા હતા, મોં મીઠા કરાવ્યા હતા અને જોરદાર આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવાયો હતો.

ગરબાડામાં બીજેપીના આ ભવ્ય પુનરાવર્તને ફરી એકવાર સાબિત કર્યું છે કે ગરબાડાની જનતા અને જનપ્રતિનિધિઓનો ભરોસો માત્ર અને માત્ર ભાજપની વિકાસની રાજનીતિ પર જ છે!