મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે વસ્તી ગણતરી (PE)ના દ્વિતીય તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે નાયબ કલેક્ટરશ્રી એચ. ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને તાલીમ વર્ગ યોજાયો

મહીસાગર જિલ્લામાં આગામી વસ્તી ગણતરી (PE)ના દ્વિતીય તબક્કાની કામગીરી સુચારુ, પારદર્શક અને સરળતાપૂર્વક સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિશેષ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નોડલ અધિકારીશ્રી દ્વારા નાયબ કલેક્ટરશ્રી એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને લુણાવાડા સેવા સદન ખાતે મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટશ્રીઓ માટે એક મહત્વપૂર્ણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ સત્રમાં વસ્તી ગણતરીના બીજા તબક્કાને ક્ષતિરહિત બનાવવા માટે બ્લોકની રચના, પેટા ગણતરીના બ્લોક (સબ-બ્લોક)ની વ્યવસ્થા, તેમજ સુપરવાઈઝરશ્રીઓ અને ગણતરીદારશ્રીઓને બ્લોકોની તાર્કિક ફાળવણી અંગે ઊંડાણપૂર્વક ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અધ્યક્ષસ્થાનેથી નાયબ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કા દરમિયાન મળેલા ફિલ્ડ અનુભવો અને પરિણામોને ધ્યાને રાખીને બીજા તબક્કાની કામગીરી વધુ વ્યવસ્થિત, સમયબદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાસભર બને તે દિશામાં સૌ અધિકારી-કર્મચારીઓએ સંકલન સાધીને ફરજ બજાવવાની રહેશે. તાલીમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ બીજા તબક્કાની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ સચોટતા સાથે ડેટા એકત્રિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.