મહીસાગર જીલ્લાના ગેગડીયા ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયાનું શિક્ષણ અને બાળ આરોગ્ય અત્યંત મહત્વપૂર્ણ: પ્રભારી મંત્રી પી. સી. બરંડા.

લાભાર્થીઓને પોષણ કીટ, THR વિતરણ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું કરાયું સન્માન

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગેગડીયા ખાતે ‘વિકસિત ભારત-જન સેવા અભિયાન’ અંતર્ગત જીલ્લા પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ભવ્ય ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, જેમ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે ઉત્સાહનો માહોલ સર્જાય છે, તેમ નાનાં બાળકો જ્યારે બાલવાડી કે, આંગણવાડીમાં પ્રથમ પગરણ માંડે ત્યારે તેમના સર્વાંગી ઉછેર અને પાયાના શિક્ષણ માટે રાજ્ય સરકારે આંગણ મિલન જેવો સુંદર અભિગમ અમલમાં મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાયાના શિક્ષણ અને બાળ આરોગ્યને સુદ્રઢ બનાવી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે. મંત્રીએ આંગણવાડી કાર્યકર બહેનોની સેવાભાવનાની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું કે, આ બહેનો નાના બાળકોની સંભાળથી લઈને સગર્ભા-ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાની ભગીરથ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે.

આ તકે તેમણે ભવિષ્યની પેઢીને કુપોષણમુક્ત અને નિરોગી રાખવા માટે ખેડૂતો તેમજ ગ્રામજનોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક આહાર તરફ વળવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મારી આંગણવાડી, મારી જવાબદારી ભાવના હેઠળ આંગણવાડીમાં આવતા દરેક બાળકને પૌષ્ટિક સુખડી, મિલેટ્સ તેમજ તાજો ગરમ નાસ્તો સુનિશ્ચિત કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વર્ગના બાળકો પણ કુપોષણનો ભોગ ન બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ’બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન થકી દીકરીઓ શિક્ષિત અને સક્ષમ બની રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપી રહી છે.

ધારાસભ્ય નિમિષાબેન સુથારે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, નાના બાળકો જે નિર્દોષ ભાવે મંચ પર પ્રસ્તુતિ કરી રહ્યા છે, તે તેમના જીવનમાં આત્મવિશ્ર્વાસનું પ્રથમ પગથિયું છે. બાળકોમાંથી સ્ટેજ ફિયર દૂર કરી તેમને સંસ્કાર અને શિક્ષણ આપવામાં આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદા બનીને માર્ગદર્શન પૂરૂ પાડે છે. તેમણે સરકાર દ્વારા અમલી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’, બાલશક્તિ અને પૂર્ણા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત માતાઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પોષણ કીટ અને સગર્ભા માતાઓને ઝઇંછ (ટેક હોમ રાશન)નું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બાળકોને પૌષ્ટિક સુખડી અને ફળોનું વિતરણ કરાયું હતું. ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરી બદલ આંગણવાડી કાર્યકર, હેલ્પર તેમજ આશા વર્કર બહેનોને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીનો પોષણ સંદેશો લાભાર્થીઓ સુધી પહોંચાડી પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોર, અગ્રણી દશરથભાઈ બારીયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો તથા મોટી સંખ્યામાં માતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.