દાહોદ સ્માર્ટ સિટીનું ઘરેણું સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ જાળવણીના અભાવે બિન ઉપયોગી બનશે? ગંદા પાણી અને કચરાથી માછલીઓના મોત.

દાહોદ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરોડો ‚પિયાના અધધ ખર્ચે નવનિર્માણ પામેલું દાહોદનું ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ હાલમાં તંત્રની જાળવણીના અભાવે ગંદકીનું ધામ બની રહ્યું છે. એક સમયે સુંદરતા અને નયનરમ્ય વાતાવરણ માટે શહેરીજનોનું મન પસંદ ફરવા લાયક સ્થળ બનેલું આ તળાવ હવે દુરવસ્થાનો ભોગ બન્યું છે. લીલી વનસ્પતિ અને કચરાનું સામ્રાજ્ય તળાવમાં યોગ્ય સાફ-સફાઈ ન થવાના કારણે સપાટી પર લીલી વનસ્પતિ (જળકુંભી) છવાઈ ગઈ છે. આ ઉપરાંત, તળાવના કિનારે અને પાણીમાં ભારે માત્રામાં પ્લાસ્ટિક અને કચરો ભેગો થતાં આહલાદક દ્રશ્યો આપતું તળાવ હવે ધીરે ધીરે ઉકરડામાં ફેરવાઈ રહ્યું છે. સ્થાનિક શહેરીજનોના જણાવ્યા મુજબ, તળાવમાં ગટરના દૂષિત પાણી ઠાલવતી કૂવા અને પાઈપ લાઈનો સક્રિય હોવાના કારણે પાણી અત્યંત ઝેરી બની ગયું છે. દૂષિત પાણીના કારણે તળાવમાં રહેલી હજારો માછલીઓ તરફડીને મરી રહી છે, જેનાથી તળાવની આસપાસ દુર્ગંધ પણે ફેલાઈ રહી છે. શહેરીજનોએ આ ગંભીર બાબતે અનેકવાર સ્થાનિક તંત્ર તથા સ્માર્ટ સિટીના અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવા છતાં આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જો આ અવ્યવસ્થામાં વહેલી તકે સુધારો કરવામાં નહીં આવે, તો કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલી ઉમદા કામગીરી સમયજતાં માત્ર ગંદકીનો ભંડાર બનીને રહી જશે. સિદ્ધરાજ જયસિંહની ઓળખ પ્રસ્થાપિત કરવાની માગ ઐતિહાસિક દ્રષ્ટિએ આ તળાવ પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમય સાથે જોડાયેલું છે. તળાવને તેમનું નામ તો આપવામાં આવ્યું છે, પરંતુ તે માત્ર કાગળ પર કે નામ પૂરતું સીમિત રહ્યું છે. શહેરીજનો અને ઇતિહાસ પ્રેમીઓની માગ કે: તળાવના પરિસરમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહનું ભવ્ય સ્ટેચ્યુ (પુતળું) મૂકવામાં આવે.

તળાવનો ઈતિહાસ દર્શાવતો શિલાલેખ (ઇતિહાસ પટ્ટી) લગાવવામાં આવે, જેથી આવનારી નવી પેઢી જાણી શકે કે આ ઐતિહાસિક તળાવ ક્યારે, કેમ અને કોણે બંધાવ્યું હતું.તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તળાવમાં ભળતા ગટરના પાણી સદંતર બંધ કરવામાં આવે, તળાવની સંપૂર્ણ સફાઈ કરાય અને આ ઐતિહાસિક વારસાનું જતન કરી તેને ખરા અર્થમાં સ્માર્ટ બનાવવામાં આવે તે જ સમયની માગ છે.