
અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસે બગોદરા ધંધુકા ચોકડી પાસેથી આઈસર કન્ટેનરમાં પ્લાસ્ટીક વેસ્ટની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૪૫૦૦ બોટલ દારૂ અને કન્ટેનર-મોબાઈલ સહિત કુલ રૂ. ૪૨.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના ડ્રાઈવરની ધરપકડ કરી છે
મળતી માહિતી મુજબ, બગોદરા પોલીસે બગોદરા-ધંધુકા ચોકડી પાસેથી એક આઈસર કન્ટેનર ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાં પ્લાસ્ટીક વેસ્ટની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું.
કન્ટેનરની તપાસ કરતાં તેમાંથી ૩૭૫ પેટીમાં ભરેલી ૪૫૦૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂના જથ્થાની કિંમત રૂ.૨૨.૭૨ લાખ થાય છે. દારૂ ઉપરાંત કન્ટેનર અને મોબાઈલ સહિત કુલ રૂ.૪૨.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે કન્ટેનરના ડ્રાઈવર અનીલકુમાર લૌહારને ઝડપી પાડ્યો છે, જે હરિયાણાનો રહેવાસી છે. આ ઉપરાંત દારૂ ભરનાર વિજયકુમાર જાટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ મંગાવનાર ઈસમ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બગોદરા પીઆઇ એચ.જી. ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.