
સાવલી તાલુકાના પોઈચા ચોકડી નજીક એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. આણંદથી જાંબુઘોડા તરફ પોતાના મોપેડ પર જઈ રહેલા દંપતીને રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલા બેફામ ડમ્પરે જારદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં મોપેડ સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઘવાયા છે.
મળતી માહિતી મુજબ, આણંદના વતની વિજયભાઈ લલ્લુભાઈ રાઠવા અને તેમના ધર્મપત્ની મોપેડ પર સવાર થઈને જાંબુઘોડા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પોઈચા ચોકડી પાસે સામેથી રોંગ સાઈડ આવી રહેલા એક બેફામ ડમ્પરના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું ટાયર મહિલા પર ફરી વળતા તેમનું સ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું.
ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિજયભાઈ રાઠવાને સ્થાનિકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જેના કારણે થોડા સમય માટે રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.