
તહેવારો શરૂ થાય તે પહેલાં સામાન્ય માણસ અને વ્યવસાયો બંને મોંઘવારીના મારથી પ્રભાવિત થયા છે. મહિનાના પહેલા દિવસે એટલે કે ૧ ઓક્ટોબરથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૬૨.૫૦નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે તેની કિંમત ૨,૮૧૦ થઈ છે. આ ભાવવધારાની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો, કેટરિંગ સંસ્થાઓ અને નાના વ્યવસાયોના ખર્ચ પર પડી શકે છે.એલપીજીનો ખર્ચ લાંબા સમય સુધી ઊંચો રહે તો ખાણીપીણીની વસ્તુઓના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે.
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદના ગ્રાહકો માટે ૧ ઓક્ટોબરના એલપીજી ભાવ મહત્વના છે. રિપોર્ટી અનુસાર અમદાવાદના ભાવ મુજબ ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૯૪૯ છે અને તેમાં હાલ કોઈ વધારો થયો નથી. બીજી તરફ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ૨,૮૩૧.૫૦ થયો છે. સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨,૭૬૮ હતો. એટલે નવા ભાવ પ્રમાણે તેમાં ૬૩.૫૦નો વધારો થયો છે. અમદાવાદમાં ૫ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૩૫૨ છે, જ્યારે ૪૭.૫ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૭,૦૭૪.૫૦ છે. ૪૭.૫ કિલોના સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. આ ભાવ ખાસ કરીને એવા વ્યવસાયો માટે મહત્વના છે જ્યાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે.
રાહતની વાત એ છે કે ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં તેનો ભાવ ૯૪૨, મુંબઈમાં ૯૪૧.૫૦ અને ચેન્નાઈમાં ૯૫૭.૫૦ રહેશે. અન્ય શહેરોમાં ઘરેલુ એલપીજીના ભાવની વાત કરીએ તો પટણામાં ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત ૧,૦૩૧.૫૦ અને લખનૌમાં ૯૭૯.૫૦ છે. મુંબઈમાં ઘરેલુ સિલિન્ડર ૯૪૧.૫૦, કોલકાતામાં ૯૬૮ અને ચેન્નાઈમાં ૯૫૭.૫૦ છે. હૈદરાબાદમાં ઘરેલુ એલપીજીનો ભાવ ૯૯૪, જ્યારે રાંચીમાં ૧,૦૧૦.૫૦ છે. એટલે દેશભરમાં ઘરેલુ એલપીજીના ભાવમાં હાલ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડર મોંઘો થવાથી વેપારીઓ અને વ્યવસાયિક ગ્રાહકો પર વધારાનો ખર્ચ આવ્યો છે.
ગુજરાતમાં શહેર પ્રમાણે એલપીજીના ભાવમાં થોડો તફાવત જોવા મળે છે. અમદાવાદમાં ૧૪.૨ કિલોના ઘરેલુ સિલિન્ડરનો ભાવ ૯૪૯ છે. ગાંધીનગરમાં ઘરેલુ સિલિન્ડરનો ભાવ ૯૪૯.૫૦, જ્યારે રાજકોટમાં ૯૪૭ છે. રાજકોટમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ૨,૮૦૦ છે. દાહોદમાં ૧૪.૨ કિલોના ઘરેલુ સિલિન્ડરનો ભાવ ૯૬૯ અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨,૯૧૫ નોંધાયો છે. એટલે ગુજરાતમાં પણ શહેર પ્રમાણે એલપીજીના ભાવમાં તફાવત જોવા મળે છે.
તહેવારો દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તાની દુકાનો અને કેટરિંગ વ્યવસાયમાં કામ વધે છે. આ સમયે કોમર્શિયલ એલપીજીના ભાવમાં વધારો થતાં રસોડાના ખર્ચમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને નાના વેપારીઓ માટે દરેક સિલિન્ડર પર વધેલો ખર્ચ મહત્વનો બની શકે છે. એલપીજી સિવાય કાચો માલ, પેકેજિંગ અને અન્ય ખર્ચ પણ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. તેથી કોમર્શિયલ ગેસનો ભાવ વધે ત્યારે કુલ ખર્ચ પર તેની અસર પડે છે. જોકે વેપારીઓ ગ્રાહકો પાસેથી વધેલો ખર્ચ વસૂલ કરશે કે નહીં, તે દરેક વ્યવસાયના ખર્ચ અને ભાવ નક્કી કરવાની નીતિ પર આધાર રાખે છે.