ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી સત્યમ અને અમ્રકુંજ સોસાયટીના રહિશો છેલ્લા લાંબા સમયથી ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. આ વિસ્તારમાં વરસાદી તેમજ ગંદા પાણીના નિકાલની કોઈ કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી સોસાયટી તળાવમાં ફેરવાઈ ગઈ છે.
વરસાદને વિદાય લીધે ૨૫ દિવસ જેટલી સમય વિતી ગયો હોવા છતાં સોસાયટીમાં પાણી ભરાયેલા પડ્યા છે. રસ્તાઓ પર અડધા ટાયરો ડુબી જાય તેટલા ઉંડા પાણી ભરાયેલા હોવાથી સ્કુલવાન અને રિક્ષા ચાલકોએ સોસાયટીમાં આવવાનુ બંધ કર્યુ છે. જેથી શાળા-કોલેજ જતાં બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. આ ઉપરાંત સોસાયટીમાં રહેતા વડીલો કે દર્દીઓને ઈમરજન્સી સારવાર માટે બહાર લઈ જવામાં પણ પરિવારજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્થિત થયેલા ગંદા પાણીમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધતા સમગ્ર વિસ્તારમાં ડેન્ગયુ, મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. રહિશો દ્વારા વર્ષ-૨૦૨૫ દરમિયાન ગોધરા પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ ધારાસભ્યને આર.સી.સી.રોડ અને ડ્રેનેજ સિસ્ટમ બનાવી આપવા માટે લેખિત અરજી સાથે રજુઆત કરવામાં આવી હતી છતાં કોઈ નકકર પગલા ભરાયા નથી.