કાલોલ તાલુકાના રાબોડ ગામે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગત મહિને તા.૧૭ ઓગસ્ટે કાલોલ તાલુકા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે ખાતાકિય તપાસ દરમિયાન જથ્થાના વધધટ સહિતની ગંભીર ક્ષતિઓના રિપોર્ટ અનુસંધાને પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા દુકાન સંચાલક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પુરવઠા અધિકારીના હુકમ મુજબ રાબોડ ગામના નારણભાઈ મણીભાઈ પટેલ દ્વારા સંચાલિત પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર(સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન)ના તપાસ રિપોર્ટ અનુસાર દર્શાવાયેલી ક્ષતિઓ ગંભીર હોવાનુ જણાયુ હતુ. તપાસ રિપોર્ટ અનુસાર રેશનકાર્ડ ધારકોના જાહેર હિતને ધ્યાનમાં રાખીને દુકાનના પરવાના અનામત પેટે જમાં ડિપોઝીટના ૧૦૦ ટકા લેખે .૫,૦૦૦ તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાની તપાસ દરમિયાન જથ્થામાં ધટ જણાતા જથ્થાની બજાર કિંમતની બમણી રકમ લેખે રૂ.૩૩,૨૪૫ મળીને કુલ રૂ.૩૫,૨૪૫ નો દંડ ફટકારાયો છે. અને દંડની રકમ સરકારના નિયત ધારા હેઠળ આગામી ૧૫ દિવસની અંદર કાલોલ મામલતદાર મારફતે જિલ્લા પુરવઠા કચેરીમાં જમાં કરાવવાની રહેશે. જો દંડની રકમ નિર્ધારિત સમય મર્યાદામાં ભરવામાં નહિ આવે તો સંચાલકની સ્થાવર-જંગલ મિલ્કતમાંથી રેવન્યુ રાહે વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જયારે ગંભીર ક્ષતિઓને અનુપ સંચાલક નારણભાઈ મણીભાઈ પટેલનો પરવાનો તા.૩૧ ડિસેમ્બર-૨૦૨૬ સુધી મોકુફ રાખવામાં આવ્યો છે. જેને પગલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રાબોડની વ્યાજબી ભાવની દુકાનના ગ્રાહકોને આગામી મહિનાનો મળવાપાત્ર જથ્થા તાલુકા વિભાગ દ્વારા નજીકની અન્ય વ્યાજબી ભાવની દુકાન સાથે નિયમોનુસાર જોડવાની તેમજ હુકમની નારાજ સંચાલકને હુકમની બજવણી થયેથી ૩૦ દિવસમાં કલેકટર, પંચમહાલ જિલ્લા કલેકટર(ગોધરા), સમક્ષ અપીલ કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.