દાહોદ એસ.ટી.બસ સ્ટેન્ડ પરથી ૫ વર્ષની બાળકી ગુમ થવાની ધટના સામે આવી છે. ધાનપુર તાલુકાના મંડોરની ૬૦ વર્ષિય મહિલા પોૈત્રી સાથે ધાવડિયા જઈ રહી હતી. તે દરમિયાન બસ સ્ટેન્ડ પરથી અજાણી મહિલા પોૈત્રીને પોતાની સાથે લઈ જતી હોવાની શંકાએ ચકચાર મચાવી છે.
ધાનપુર તાલુકાના મંડોર ગામના હઠીલા ફળિયાના દીતુબેન ભુરિયા તેમના પુત્ર નરેશભાઈની ૫ વર્ષિય પુત્રી રોશનીને સાથે લઈને ઝાલોદના ધાવડિયા ગામે પુત્રીના ધરે જવા નીકળ્યા હતા. બંને મંડોરથી બસમાં બેસી દાહોદ પહોંચ્યા હતા. અહિં દીતુબેને રોશનીને ચા-નાસ્તાની લારી પાસે સામાન પર બેસાડી પોતે નજીકમાં ચીભડાં લેવા માટે ગયા હતા. ચીભડાંનો ભાવ વધુ લાગતા દીતુબેન ખરીદી કર્યા વગર પરત ફર્યા હતા. પરંતુ ત્યાં બાળકી જોવા મળી ન હતી. અચાનક બાળકી ગાયબ થઈ જતાં દાદીએ આસપાસ શોધખોળ કરી હતી. લારી સંચાલકની મદદથી ડેપો મેનેજરનો સંપર્ક કરી માઈક દ્વારા બસ સ્ટેન્ડ પરીસરમાં જાહેરાત પણ કરાવી હતી.ત્યારબાદ પણ બાળકોની કોઈ પત્તો નહિ લાગતો પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બસ સ્ટેન્ડ પર ઉભેલી બસોની તપાસ કરવાની સાથે ડેપોના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. તપાસ દરમિયાન અજાણી મહિલા ૫ વર્ષિય બાળકી રોશનીને પોતાની સાથે લઈ જતી હોય તેવા શંકાસ્પદ દ્રશ્યો સામે આવ્યા છે. આ મામલે બાળકીના દાદીએ દાહોદ બી-ડીવીઝનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.