ફતેપુરામાં મોટા કદની ખેતી વિષયક કાર્યકારી સહકારી મંડળીમાં હોબાળો : સિલેકશનની જગ્યાએ ઈલેકશન કરવાની માંગ

ફતેપુરા ધી મોટા કદની ખેતી વિષયક કાર્યકારી સહકારી મંડળીની સાધારણ સભામાં હોબાળો થયો હતો. જેના કારણે મેનેજર સહિત અન્ય સભ્યો સ્થળ છોડી ફરાર થઈ ગયા હતા.

ફતેપુરા મોટા કદની ખેતી વિષયક કાર્યકારી સહકારી મંડળી વારંવાર કોઈને કોઈ વિવાદોમાં રહે છે. દાહોદ જિલ્લા રજીસ્ટ્રારે મંડળીની કારોબારી મિટીંગ યોજીને રિપોર્ટ કરવાનો જણાવ્યુ હતુ. તેના સંદર્ભે ભુરિભા પાર્ટી પ્લોટ ખાતે કાર્યકારી સહકારી મંડળીની મિટીંંગ યોજાઈ હતી. જેમાં મંડળીની આવક-જાવક તથા નફા-નુકસાનની ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ મંડળીની કમિટીની રચનામાં ૨૦ જેટલા સભ્યોનુ નામ જાહેર થયુ હતુ. જે સાથે જ ભારે હોબાળો અને વિરોધ થતાં મેનેજર સહિત નવી બનાવેલી કમિટીના સભ્યો સ્થળ છોડીને પલાયન થઈ ગયા હતા. વારંવાર મેનેજરને રજુઆત કરવા છતાં પણ તેઓ મિટીંગમાં ઉપસ્થિત રહ્યા ન હતા. વારંવાર મેનેજરને કમિટી વિશે પુછવા છતાં કોઈ૫ણ જવાબ આપ્યો ન હતો કે ન કોઈ ખેડુત સભ્ય સાથે વાત કરી હતી. ચર્ચા-વિચારણા કર્યા વગર આટલી મોટી સહકારી મંડળીની રચના કઈ રીતે કરી દેવામાં આવી…?કેમ કોઈ ખેડુતની વાત સાંભળવામાં ન આવી…?વારંવાર એનાઉન્સમેન્ટ કરવા છતાં પણ કમિટીના સભ્યો કેમ ન આવ્યા…?જેવા સવાલો સાથે આવી ગેરબંધારણીય કમિટીને દુર કરીને ખાતેદારોના હિતમાં નિર્ણય લેવા તેમજ અન્ય સભ્યો દ્વારા વોર્ડ રચના કરીને ઈલેકશન કરવા માટે રજુઆત કરાઈ છે. જો તેમ કરવામાં ન આવે તો મંડળીને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે.