ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ૧૦૧૪ બાળકોએ ફાયર સેફટીની તાલીમ મેળવી

દાહોદ જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે સલામતી અને સાવચેતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ફાયર સેફટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદ જીલ્લામાં દાહોદ તાલુકાની ધોરણ ૬ થી ૧૨ ની વિવિધ રેસિડેન્શિયલ શાળાઓ ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં કુલ ૧૦૧૪ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ફાયર સેફટી અંગેની તાલીમ મેળવી હતી.

આ તાલીમ ઈ.એમ.આર.એસ. રેસિડેન્શિયલ સ્કૂલ, જી.એલ.આર.એસ. રેસિડેન્શિયલ સ્કૂલ તથા એકલવ્ય મોડેલ સ્કૂલ, ખરેડી ખાતે યોજાઈ હતી.

તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં રાખવાની સાવચેતી, આગથી બચવાના ઉપાયો, સલામત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ તથા આપત્તિના સમયે ગભરાયા વિના યોગ્ય રીતે બચાવ કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમમાં જીલ્લા કક્ષાએથી નાયબ મામલતદાર પી.કે. કપાસિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટીનું મહત્વ સમજાવી, આપત્તિના સમયે પોતાની તથા અન્યની સુરક્ષા માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રકારની તાલીમના આયોજનથી વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે વ્યવહા‚ સમજ વિકસે છે તેમજ કટોકટીની પરિસ્થિતિમાં સલામત અને જવાબદારીપૂર્વક વર્તવાની ક્ષમતા કેળવાય છે.