
દાહોદ શહેરના અર્બન-૨ ખાતે દશાનિમા વણિક સમાજની વાડી, ગોધરા રોડ, દાહોદ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન નીનામા, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 244 નાગરિકોની OPD તપાસ કરવામાં આવી હતી. જ્યારે 137 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 98 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
મહિલા અને બાળલક્ષી યોજનાઓ અંતર્ગત નમો શ્રી તથા PMMVY યોજના અંગે માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં PMMVY અંતર્ગત 04 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 142 લાભાર્થીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ટીબીના વહેલા નિદાન અને સમયસર સારવાર અંગે નાગરિકોને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓ અને આરોગ્ય સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થતાં નાગરિકોને સરળતાથી સેવાઓનો લાભ મળ્યો હતો.