દાહોદ જિલ્લા પંચાયત ખાતે આયોજિત બેઠકમાં મહિલા અને બાળ વિકાસની યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવા અને એક અઠવાડિયામાં પોષણ ટ્રેકર એપમાં બાળકોની ૧૦૦ ટકા નોંધણી પુર્ણ કરવા કડક સુચના સાથે આંગણવાડીઓમાં ગુણવત્તાયુકત ભોજન, ડીજીટલ મોનીટરીંગ અને સમયસર કામગીરીની તાકિદ કરી બેદરકારી દાખવનાર સામે કડક શિક્ષાત્મક પગલા લેવાની ડીડીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
દાહોદ જિલ્લા પંચાયત ખાતે સીડીપીઓ અને મુખ્ય સેવિકા બહેનો સાથે જોડાયેલી બેઠકમાં ડીડીઓ સ્મિત લોઢાએ જિલાના છેવાડાના વિસ્તારો સુધી મહિલા અને બાળ વિકાસની યોજનાઓ પહોંચાડવા પર ભાર મુકયો હતો. તેમણે તમામ આંગણવાડીઓમાં ૩ થી ૫ વર્ષના બાળકોની પોષણ ટ્રેકર એપમાં ૧૦૦ ટકા નોંધણી એક અઠવાડિયામાં પુર્ણ કરવા કડક સુચના આપીહતી. આ ઉપરાંત આંગણવાડીઓમાં ભુલકાઓને ગુણવત્તાયુકત સ્વાદિષ્ટ ભોજન આપવા અને વ્યવસ્થાઓ ચકાસવા માટે અધિકારીઓને કેન્દ્રો પર આકસ્મિક વિઝીટ કરવા આદેશ આપ્યો હતો. ડીજીટલ મોનીટરીંગ હેઠળ એવીટી એપમાં દેૈનિક ફોટો અપલોડ કરવા અને પોષણ સંગમ એપમાં ૩ દિવસમાં મેડિકલ ચેકઅપની એન્ટ્રી પુર્ણ કરવા પણ જણાવાયુ હતુ. બેઠકમાં સુપોષિત દાહોદ પ્રોજેકટની સમીક્ષા કરતા ઈન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.સુધીર જોશીએ જણાવ્યુ કે, આંગણવાડીઓ સમયસર ખુલે અને બાળકોને પોૈષ્ટિક આહાર સાથે પુર્વ પ્રાથમિક શિક્ષણ મળે તે અનિવાર્ય છે.