દાહોદ જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની મોટાપાયે સાગમટે બદલી કરાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી જિલ્લામાં ૨૦૩ તલાટી કમ મંત્રીઓની સાગમટે બદલીઓના આદેશ કર્યા છે. જિલ્લા પંચાયતદ્વારા વહીવટી કારણોસર જાહેર કરેલી પ્રક્રિયા અંતર્ગત લાંબા સમયથી એક જ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને અને સ્થળે ફરજ પર મુકવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી મળતી વિવિધ રજુઆતો, ફરિયાદો તેમજ વહીવટી વ્યવસ્થામાં સંતુલન જળવાઈ રહે તે હેતુસાર સાગમટે બદલીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક સાથે ૨૦૩ કર્મચારીઓની સાગમટે બદલી કરાતા અનેક પ્રશ્ર્નો પણ ઉભા થયા છે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ નિર્ણય વહીવટી જરિયાત ગણવામાં આવ્યો હોવા છતાં કર્મચારી વર્તુળોમાં તથા સ્થાનિક સ્તરે આટલા મોટાપાયે બદલીઓ પાછળના વાસ્તવિક કારણોને લઈ તરેહ તરેહની ચર્ચાઓ તેજ બની છે. જિલ્લા પંચાયત તંત્ર આ બદલીની પ્રક્રિયાને પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે રજુ કરી રહ્યુ છે.જોકે બદલીઓના આ નિર્ણયને લઈને કેટલાક વર્ગોમાં સવાલો પણ ઉભા થયા છે કે, ખરેખર આ કાર્યવાહી માત્ર જાહેર હિત માટે જ કરવામાં આવી છે કે પછી તેની પાછળ અન્ય કોઈ વહીવટી કારણો જવાબદાર છે. બદલી કરાયેલા તલાટી કમ મંત્રીઓ આગામી દિવસોમાં પોતાના કાર્યસ્થળે હાજર રહેશે.