બોડેલીના ઊંચાપાનના ડુંગરી ફળિયામાં દીપડાએ વાછરડાનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાનના ડુંગરી ફળિયામાં દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સતત વધી રહ્યો છે. હવે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હોવાનું સામે આવતાં પશુપાલકોમાં પણ ચિંતા ફેલાઈ છે. રાઠવા દિલીપભાઈના વાછરડાનું મારણ થયાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દીપડો રાત્રિના સમયે માર્ગો પર આંટાફેરા કરતો જોવા મળે છે, જ્યારે દિવસ દરમિયાન કબ્રસ્તાન અને ઈંટોના ભઠ્ઠા વિસ્તારમાં આશરો લેતો હોવાની પણ ચર્ચા છે. લાંબા સમયથી દીપડાની અવરજવર હોવાને કારણે ખેડૂતોને ખેતરે જતાં ડર લાગી રહ્યો છે. પશુઓને ચરાવવા લઈ જવા તેમજ રાત્રે અવરજવર કરવામાં પણ જોખમ અનુભવાઈ રહ્યું છે.

એક તરફ દીપડાના આંટાફેરા અને બીજી તરફ પશુઓના મારણની ઘટનાએ ગ્રામજનોની ચિંતા વધારી છે. હવે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ પશુપાલકો પણ પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો દીપડાની અવરજવર પર સમયસર નિયંત્રણ નહીં આવે તો ભવિષ્યમાં માનવજીવન માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

ગ્રામજનોની વન વિભાગ સમક્ષ માંગ છે કે, તાત્કાલિક ડુંગરી ફળિયા વિસ્તારમાં સ્થળ તપાસ કરાવાય, દીપડાની અવરજવર પર નજર રખાય અને જ‚રી તકેદારીના પગલાં સાથે તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવાની વ્યવસ્થા કરાય.