
હરિપુરા ગામની સીમમાં નાળા પાસે ૯થી ૧૦ ફૂટનો અજગર મળ્યો હતો. પશુપાલક શાંતિભાઈ મોતીભાઈ વસાવાએ તેની જાણ કરી હતી. સચિન પંડિતની એનિમલ રેસ્ક્યુ ટીમે અજગરને પકડીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ કુદરતી આવાસમાં છોડ્યો હતો.શાંતિભાઈ પોતાની ગાયો અને બકરાં ચરાવવા ગામની સીમમાં ગયા હતા. ત્યારે તેમને નાળા પાસે અજગર દેખાયો. આસપાસ પશુઓ હોવાથી તેમણે કુસમિયા સ્કૂલના શિક્ષક અને સ્થાનિક આગેવાન શાંતિલાલભાઈ રાઠવાને જાણ કરી. શાંતિલાલભાઈએ સંખેડા વિસ્તારની એનિમલ રેસ્ક્યુ ટીમના આગેવાન સચિન પંડિતને ફોન કર્યો હતો. માહિતી મળતાં સચિન પંડિત અને તેમની સાથેના વોલેન્ટિયર હેમંતભાઈ સ્થળે પહોંચ્યા હતા.
અજગરને જોવા ગ્રામજનો પણ એકઠા થયા હતા. ટીમે લોકોને દૂર રાખીને સાવચેતીથી રેસ્ક્યુ કર્યું અને અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો. રેસ્ક્યુ પછી ટીમે વન વિભાગના કર્મચારી કુલદીપભાઈનો સંપર્ક કર્યો હતો. છઋઘ વનકર ના માર્ગદર્શન અને સૂચના મુજબ અજગરને કુદરતી આવાસમાં છોડવામાં આવ્યો હતો.અજગર બિનઝેરી સાપ છે. તે શિકારને પકડીને શરીરના ગૂંચળાથી દબાવે છે. ઉંદરો સહિતના નાના સસ્તન પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત કરવામાં તે પર્યાવરણ માટે ઉપયોગી છે.
સાપ અને અજગર અસમતાપી પ્રાણીઓ છે, એટલે તેમના શરીરનું તાપમાન બહારના વાતાવરણ પર આધારિત હોય છે. ઠંડીમાં તેમની શારીરિક પ્રવૃત્તિ ધીમી પડે છે. અનુકૂળ તાપમાન મેળવવા તેઓ ક્યારેક તડકાવાળી જગ્યાએ જોવા મળે છે.
એનિમલ રેસ્ક્યુ ટીમે અપીલ કરી છે કે ખેતર, સીમ, નાળા કે રહેણાક વિસ્તારમાં સાપ કે અજગર દેખાય તો તેને મારવાનો પ્રયાસ ન કરવો. જાતે પકડવા કે નજીક જવાને બદલે સુરક્ષિત અંતર રાખવું અને વન વિભાગ અથવા પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમને જાણ કરવી.