
ગોધરા-દાહોદ હાઈવે પરની દર્શન કેફેમાં તપાસ કરતા જ મોટું ભોપાળું બહાર આવ્યું; ફૂડ લાઇસન્સ સહિતના દસ્તાવેજો ન મળતા હોટેલ તાત્કાલિક અસરથી બંધ કરાવાઈ.
ચેકિંગ માટેની મોબાઇલ ટેસ્ટિંગ વાન પણ ટેકનિકલ ખામીના કારણે ધૂળ ખાતી હાલતમાં; અધિકારીઓએ કેમેરા સામે બોલવાનું ટાળ્યું.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને જાહેર આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા કડક ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ, પંચમહાલ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જાણે મંત્રીશ્રીના આ આદેશને ઘોળીને પી લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. સમગ્ર દિવસ દરમિયાન નિષ્ક્રિય રહ્યા બાદ, આખરે મીડિયાના દબાણને વશ થઈને મોડી સાંજે તંત્ર સફાળું જાગ્યું હતું અને ગોધરા-દાહોદ હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું.
પ્રથમ ગ્રાસે જ મક્ષિકા: લાઇસન્સ વિના ધમધમતી હોટેલ ઝડપાઈ : મીડિયાના અહેવાલો અને દબાણ બાદ મોડી સાંજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ગોધરા-દાહોદ હાઈવે પર આવેલી દર્શન કેફે નામની હોટેલમાં દરોડા પાડ્યા હતા. તંત્ર દ્વારા જ્યાં સૌપ્રથમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તે જ હોટેલમાં મોટું ભોપાળું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન હોટેલ સંચાલકો પાસે ફૂડ લાઇસન્સ સહિતના કોઈ પણ જરૂરી સરકારી દસ્તાવેજો મળી આવ્યા ન હતા. લાઇસન્સ વિના ગેરકાયદેસર રીતે ધમધમતી આ હોટેલ સામે કડક વલણ અપનાવી ફૂડ વિભાગે તાત્કાલિક અસરથી હોટેલ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

ગ્રેવી, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાના સેમ્પલ લેવાયા : ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે હોટેલના રસોડામાં તપાસ હાથ ધરી હતી. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી હોટેલમાં તૈયાર રાખવામાં આવેલી વિવિધ પ્રકારની ગ્રેવી, આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાના નમૂના (સેમ્પલ) એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
તંત્રની પોલ ખુલી: મોબાઇલ ટેસ્ટિંગ વાન જ ખોટકાયેલી! : એક તરફ સરકાર ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ તપાસ થાય તે માટે મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ વાનની સુવિધા પૂરી પાડે છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં આ વાન જ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. ચેકિંગ દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરે સ્વીકાર્યું હતું કે વિભાગના વાહનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે અને ચેકિંગ માટેની મોબાઇલ વાન પણ હાલ બંધ હાલતમાં (ખોટકાયેલી) પડી છે. તંત્રની આ બેદરકારીને કારણે સ્થળ પર થતી તાત્કાલિક તપાસ સામે પણ મોટા સવાલો ઊભા થયા છે.

અધિકારીઓએ મીડિયા સમક્ષ મૌન સેવ્યું : દિવસભર કામગીરી ન કરવા બાબતે અને વિભાગની નિષ્ક્રિયતા અંગે જ્યારે મીડિયાકર્મીઓએ ફૂડ વિભાગના અધિકારીઓનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે અધિકારીઓએ કેમેરા સામે બોલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. અધિકારીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “મને મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપવાની સત્તા નથી.
હાલ તો મીડિયાના દબાણ બાદ શ થયેલી આ કાર્યવાહીમાં પહેલી જ હોટેલ લાઇસન્સ વિનાની ઝડપાઈ છે, ત્યારે જો ફૂડ વિભાગ નિયમિત અને નિષ્પક્ષ તપાસ કરે તો જિલ્લામાં હજુ પણ કેટલીય હોટેલો અને ખાણીપીણીના એકમોના કૌભાંડો બહાર આવે તેમ છે.