સણસોલીના લાખા ફળિયાનો રસ્તો ખુલ્લો કરવા મામલતદારના હુકમનું પાલન કરાવવા રહીશોનું આવેદન

કાલોલ તાલુકાના સણસોલી ગામના લાખા ફળિયા (ખેતરમાં) વસવાટ કરતા રહીશોએ તેમના અવરજવરના રસ્તાને તાત્કાલિક ખુલ્લો કરાવવા માટે કાલોલ મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. મામલતદાર કચેરીના અગાઉના હુકમનું સામાવાળા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શન હેઠળ રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરવામાં આવી છે.

સણસોલી ગામથી લાખા ફળિયા તરફ જવાનો રસ્તો સામાવાળાઓની કબજા ભોગવટાની જમીન (હેન્ડપંપની બાજુ) માંથી પસાર થાય છે. આ મામલે કાલોલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા તા. ૦૩/૦૧/૨૦૨૩ અને ત્યારબાદ તા. ૨૨/૦૭/૨૦૨૬ના રોજ સામાવાળા રાઠોડ મંગળભાઈ ચંદુભાઈ તેમજ રાઠોડ રામસિંહ ચંદુભાઈ અને વીણાબેન નરવતસિંહ રાઠોડ નામના ઇસમો સામે હુકમ કરીને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ રસ્તો અવરજવર અને ખેતીના સાધનો લઈ જવા માટે ખુલ્લો રાખવા આદેશ કરવામાં આવ્યો હતો.રહીશોએ તા. ૧૯/૧૧/૨૦૨૬ના રોજ મામલતદારને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, સામાવાળા વ્યક્તિઓએ હાલ ડાંગરનો પાક કાપી લીધા બાદ રસ્તા ઉપર પાણી મૂકીને ખેડાણ કરી દીધું છે અને રસ્તો બંધ કરી દીધો છે. આ ઉપરાંત, વૈકલ્પિક ગણાતા પાનમ કેનાલના રસ્તા પર પણ કાંટા મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

રસ્તો બંધ થઈ જવાને કારણે લાખા ફળિયામાં રહેતા ખેડૂત પરિવારો, શાળાએ જતા બાળકો, નોકરિયાત વર્ગ અને પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અરજદાર રાઠોડ જીતેન્દ્રસિંહ તખતસિંહ, જાદવ કેશરીસિંહ ભારતસિંહ, જાદવ વિક્રમસિંહ મોહનસિંહ સહિતના ગ્રામજનોએ મામલતદારના હુકમનો ચુસ્ત અમલ કરાવવા અને પોલીસ પ્રોટેક્શન આપીને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવવા રજૂઆત કરી છે. આ આવેદનપત્રની નકલ કાલોલ તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, સણસોલી સરપંચ અને તલાટી કમ મંત્રીને પણ મોકલવામાં આવી છે.