દાહોદમાં ‘ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે ભવ્ય પુસ્તક પ્રદર્શન ખુલ્લું મુકાયું: વાચકોમાં વિશેષ ઉત્સાહ

અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદ સંચાલિત સ્વ. કાલીબેન ભગત સાર્વજનિક પુસ્તકાલય, દાહોદ દ્વારા વાચકોમાં પુસ્તક પ્રત્યેનો પ્રેમ વધે અને જ્ઞાનનો પ્રસાર થાય તે હેતુથી ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ અંતર્ગત આજે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક પ્રદર્શનનું દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન વિધિ દાહોદના અગ્રણી અને ગુર્જર ભારતી સંસ્થાના ટ્રસ્ટીગોપાલભાઈ ધાનકાના વરદ્ હસ્તે કરવામાં આવી હતી.

ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો અને વાચકોને સંબોધતા ગોપાલભાઈ ધાનકાએ જણાવ્યું હતું કે, “આજના ડિજીટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ અકબંધ છે. પુસ્તકો સાચા મિત્ર અને માર્ગદર્શક છે, જે માણસના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પુસ્તકાલયો જ્ઞાનના મંદિરો છે અને યુવા પેઢી તેમજ વિદ્યાર્થીઓએ વાચન સંસ્કૃતિ અપનાવવી અનિવાર્ય છે.

આ પ્રદર્શનમાં વિવિધ વિષયો જેવા કે સાહિત્ય, ઇતિહાસ, ધર્મ, પ્રેરણાદાયી જીવનચરિત્રો, સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો સહિત અનેક ઉપયોગી ગ્રંથો મૂકવામાં આવ્યા છે, જેને નિહાળવા અને વાંચવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાચકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે પુસ્તકાલયના સંચાલકો દ્વારા ઉપસ્થિત મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પુસ્તક પ્રદર્શનથી દાહોદના વાચક વર્ગમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે.