
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત પૂર્ણ કરીને ગરબાડા જતી વખતે તેમણે રસ્તામાં આવતા પીપર ગોટા ગામે અચાનક કાર થોભાવી હતી. ત્યારબાદ ગામના કાચા રસ્તા પરથી ચાલીને તેઓ આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા. આ સાથે તેમણે ગામના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને ભૂલકાઓ સાથે સમય પસાર કર્યો હતો. બપોર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધાનપુરથી ગરબાડા તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જનસુનાવણીમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા.
ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં મુખ્યમંત્રીએ અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત પ્રશ્નોના નિવારણની ખાતરી આપી હતી. જનસુનાવણીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ ગરબાડા તાલુકાના ભામાતલાઈ ગામની મુલાકાત લીધી હતી. પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ આવતીકાલે પાટાડુંગરીના બાબા ઘોડાજા દેવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ દાહોદના કાર્યક્રમ માટે રવાના થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિપરગોટા ગામના નંદઘર-આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ અને બાળકોને આપવામાં આવતી પોષણલક્ષી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ ભૂલકાંઓ સાથે હોદ્દાની ઔપચારિકતા બાજુએ રાખીને બાળકો સાથે એક વડીલ ‘દાદા’ની જેમ પ્રેમપૂર્વક વાતો કરી હતી. એક બાળકીએ બાળગીત ગાયું એ દરમિયાન દાદા ખડખડાટ હસી પડ્યા હતા.
મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરો સાથે પણ સંવાદ કરીને આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી સેવાઓ, પોષણની વ્યવસ્થા, બાળકોની હાજરી તેમજ તેમની શૈક્ષણિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાની ગુણવત્તા, પોષણયુક્ત આહારની વ્યવસ્થા તેમજ બાળકોના આરોગ્ય અને પોષણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ બકુલભાઈ વાખળા અને તેમના પરિવાર સાથે મુલાકાત દરમિયાન મકાઈની ખેતી, ખેતી માંથી થતી આવક અને પરિવારની આજીવિકા અંગે વાતચીત કરી હતી. આ ઉપરાંત પરિવારના બાળકો સાથે પણ તેમણે વાત્સલ્યભર્યા અંદાજમાં સંવાદ કર્યો હતો અને તેમના અભ્યાસ તથા શાળા વિશે વિગતો જાણી હતી.
પીપરગોટા જેવા નાનકડા આદિવાસી ગામમાં મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી સ્થાનિક પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરળ અને સહજ શૈલીથી ગ્રામજનોને પોતાના પરિવારના કોઈ વડીલ ઘરે હાલચાલ પૂછવા આવ્યા હોય તેવી લાગણી થઈ હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સામાન્ય આદિવાસી પરિવાર સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જીલ્લાની ત્રિદિવસીય મુલાકાતના બીજા દિવસે ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.
આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન આ સ્થાનકે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો તેમજ ગ્રામજનોની વાતો અને સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા.
મુખ્યમંત્રીએ આ સાથે સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, ખજૂરીના પાનમાંથી બનાવેલ છાબડી, હર્બલ સાબુ, તીર કમાન જેવી બનાવટો પ્રદર્શિત કરતા સ્ટોલની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાના ૭૨ કલાકના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે સરાબલી (ગાંગરડી) ગામ ખાતે એક અદના આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લીધું હતું. મુખ્યમંત્રીએ આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચિત કરીને પારિવારિક સ્થિતી જાણી હતી. તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજીવિકા અંગે પૃચ્છા કરી હતી. ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી.
આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લહાવો લીધો હતો. આદિજાતિ વિસ્તાર ગરબાડાના પોતાના ત્રીદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે જમીન પર બેસી પરિવારજનો સાથે પડિયા-પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.