ઝારખંડના ૨ સ્કેટર્સ ૧૧ રાજ્યોનું ભ્રમણ કરીને પંચમહાલના હાલોલ પહોંચ્યા

નેશનલ ચેમ્પિયનશિપમાં બંને સ્કેટર્સને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ અપાયું.

સનાતન ધર્મના પ્રચાર અને વતનમાં ધર્માંતરણ રોકવાના ઉદ્દેશ્ય સાથે ભારતભ્રમણ પર નીકળેલા ઝારખંડના ગિરિડીહ જીલ્લાના તિસરી ગામના સ્કેટર્સ સૌરભ અને અંકિત પંચમહાલ જીલ્લાના હાલોલ પહોંચ્યા હતા. ૭ મહિનામાં ૧૧ રાજ્યોનું ભ્રમણ કરીને ગુજરાત તેમની યાત્રાનું ૧૨મું રાજ્ય બન્યું છે. તેઓ સ્કેટિંગનાં સાધનો, ૨૦ કિલોની બેગ અને ૨ ધ્વજ સાથે વતનથી નીકળ્યા હતા.

કાલોલ થી હાલોલ સુધી ૧૮ કિલોમીટરની સ્કેટિંગ રેલી યોજાઈ તેમના સ્વાગત માટે ટ્રુપર્સ એકેડેમી હાલોલના ડિરેક્ટર રવિ હાપાણી તથા ધ પાવર સ્ક્વોડ સ્કેટિંગ એકેડેમી નડિયાદના ડિરેક્ટર મેહુલ સોલંકીએ આયોજન કર્યું હતું. બંને ડિરેક્ટર સવારે દેલોલ પહોંચી સ્કેટિંગ કરીને તેમની સાથે જોડાયા હતા, જ્યારે કાલોલમાં બંને એકેડેમીના ૧૩ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ૪ કોચ જોડાયા હતા. વિનાયક સાઉન્ડ્સના સોમા ખાંટના ડીજેના સહયોગથી સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી કાલોલથી હાલોલની વી.એમ. સ્કૂલ સુધી ૧૮ કિલોમીટરની રેલી યોજાઈ હતી, જેમાં કાલોલ પોલીસે પણ સહકાર આપ્યો હતો.

નેશનલ ચેમ્પિયનશિપમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ અપાયું હાલોલ પહોંચ્યા બાદ ઉંટછ સ્કેટ્સના માલિક વિજય પંજવાણીએ બંને સ્કેટર્સને આગામી યાત્રા માટે પ્રોફેશનલ સ્પીડ બેરિંગ્સ અને સ્પીડ વ્હીલ્સ આપવાની જાહેરાત કરી હતી. એન્ડ્યુરન્સ ગુજરાત એસોસિએશન, એન્ડ્યુરન્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને એન્ડ્યુરન્સ વર્લ્ડ ફેડરેશને તેમની યાત્રાની નોંધ લઈને ૨૯થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન યોજાનારી એન્ડ્યુરન્સ નેશનલ ચેમ્પિયનશિપમાં બંનેને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.

ફેડરેશનના પ્રમુખે ઝારખંડમાં રમતના વિકાસ માટે સહયોગની ખાતરી આપી ફેડરેશનના પ્રમુખ યોગેશ કોરેએ બંને સ્કેટર્સને અભિનંદન પાઠવીને ઝારખંડમાં એન્ડ્યુરન્સ રમતના વિકાસ અને બાકીની યાત્રા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ગુજરાતમાં મળેલા સન્માન અને સહકાર બદલ સૌરભ અને અંકિતે આયોજકો, સંસ્થાઓ, પોલીસ વિભાગ અને સ્પોન્સર્સનો આભાર માન્યો હતો.