૬૩૮ તળાવો અને ૧૪૫૯ ચેક ડેમો હોવા છતાં અપૂરતા વરસાદને કારણે જળસ્રોત ખાલીખમ
દાહોદ જીલ્લામાં આ વર્ષે વરસાદની ઘટતી અસર હવે સીધી ખેતરોમાં જોવા મળી રહી છે. ચોમાસામાં મેઘરાજાએ હાથ તાળી આપતા જમીનમાં પૂરતો ભેજ રહ્યો નથી, તો તળાવ અને છેક ડેમોમાં પણ પાણીનો સંગ્રહ ઓછો રહેતાં સિંચાઈના વિકલ્પો મર્યાદિત બન્યા છે. પરિણામે રવી સિઝનમાં વાવણીના સમયે જ જીલ્લાના સંખ્યાબંધ ખેતરો વાવણી વિના ખાલી પડ્યાં છે. ખેતીવાડી વિભાગના ૧૬ નવેમ્બર સુધીના આંકડા મુજબ ગત વર્ષે ૪૦,૫૪૮ હેક્ટરમાં રવી વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે માત્ર ૪,૬૦૦ હેક્ટરમાં જ વાવેતર થયું છે. આમ ગત વર્ષની સરખામણીએ ૩૧,૯૪૮હેક્ટર એટલે કે ૮૮.૬૬%નો ઘટાડો નોંધાયો છે. દાહોદ જીલ્લામાં ચોમાસાનો સામાન્ય વરસાદ ૬૬૯.૭ મીમી છે. જેની સામે આ વર્ષે માત્ર ૩૬૮.૮ મીમી વરસાદ નોંધાતા ૩૦૦.૯ મીમી એટલે કે ૪૫%ની ઘટ રહી હતી. ઘઉંના વાવેતરમાં ૯૪.૮૯% અને ચણામાં ૯૪.૭૪%નો ઘટાડો થયો છે. ઓછા પાણીમાં થઈ શકતા ચણાના પાકની વાવણી પણ ઘટી જવી એ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. બિયારણ, ખાતર અને મજૂરી પાછળ ખર્ચ કર્યા બાદ પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો વાવણીનું જોખમ લેવા તૈયાર નથી. પરિણામે અનેક ખેતરોમાં લીલીછમ રવી ખેતીના બદલે ખાલી જમીન નજરે પડી રહી છે. આ સ્થિતિ માત્ર ખેતીની આવક જ નહીં પરંતુ ખેત મજૂરો અને પશુપાલન આધારિત ગ્રામ્ય અર્થતંત્ર માટે પણ ચિંતાનો વિષય બની છે. આ વર્ષે જે ખેતરમાં ઘઉં અને ચણા વાવ્યા હતા. ત્યાં આ વખતે વાવણી કરવાની હિંમત જ નથી થતી. બિયારણ, ખાતર અને મજૂરીના ભાવ વધી ગયા છે. પણ પાકને પાણી મળશે તેની કોઈ ખાતરી નથી. પાક નિષ્ફળ જાય તો આખા વર્ષની કમાણી અને ઘર ખર્ચનું ગણિત ખોરવાઈ જાય તેમ છે. પાકવાર સ્થિતિમાં ઘઉંનું વાવેતર ૯,૬૯૨ હેક્ટરથી ઘટીને ૪૯૫ હેક્ટર અને ચણાનું ૧૩,૦૦૦ ઘટીને માત્ર ૬૮૪ હેક્ટર થયું છે. બંને પાકમાં અનુક્રમે ૯૪.૮૯% અને ૯૪.૭૪% નો ઘટાડો નોંધાયો છે. મકાઈમાં ૮૦.૦૮%, શાકભાજીમાં ૮૦.૨૫%, અને ઘાસચારામાં સૌથી વધુ ૯૫.૮૬% ઘટાડો થયો છે. તેની સામે લસણ-ડુંગળીનું વાવેતર ૨૫થી વધીને ૫૮ હેક્ટર થયું છે. ઝાલોદમાં ગત વર્ષના ૭,૩૨૪ હેક્ટર સામે ચાલુ વર્ષે માત્ર ૮૧ હેક્ટરમાં વાવેતર થયું છે. લીમખેડામાં ૬,૩૧૬ અને દેવગઢ બારિયામાં ૫,૪૯૮ હેક્ટરનું વાવેતર ઘટયું છે.