
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જીલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડાના ૭૨ કલાકના (ત્રિદિવસીય) પ્રવાસે પહોંચ્યા છે. ગરબાડાથી ગાંગરડી ગામે જતા માર્ગમાં મુખ્યમંત્રીએ લીંબાભાઈ મોતીભાઈ ગારીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ચાનો સ્વાદ માણી પરિવારજનો સાથે આત્મીય વાતચીત કરી હતી.

અગાઉ તેમણે ગરબાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પોતાના આ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ભૂપેન્દ્ર દાદાને આવકારવા આદિજાતિ ગ્રામજનો મોટી સંખ્યામાં અનેરા ઉત્સાહ સાથે એકઠા થયા હતા. પરંપરાગત આદિવાસી કોટી અને તીર-કામઠાથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી સીધા જ લોકોની વચ્ચે પહોંચી ગયા હતા અને માતાઓ-બહેનો, યુવાનો તથા વડીલોના ખબર-અંતર પૂછી સંવાદ સાધ્યો હતો, તેમજ ઉપસ્થિત ભૂલકાઓને વડીલ વાત્સલ્ય ભાવે વ્હાલ કર્યું હતું. દાહોદના આદિવાસી ગામોમાં ૭૨ કલાકના રોકાણ દરમિયાન મુખ્યમંત્રી લોકસંપર્ક, આદિવાસી પરિવારના ઘરે ભોજન, ગ્રામ્ય રાત્રિ રોકાણ અને ખાટલા બેઠક જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવાના છે.