મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ગુદીના મુવાડાથી ઉમરીયા ગામને જોડતો માર્ગ છેલ્લા ૮ વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક ગ્રામજનો, રાહદારીઓ અને ખેડુતો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગુદીના મુવાડાથી ઉમરીયા ગામને જોડતા માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર નાંખવામાં આવેલ કોંક્રિટ ઉખડીને બહાર નીકળી ગયુ છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં બાઈક ચાલકો માટે મુસાફરી જોખમી બની છે. અનેક વખત બાઈક ચાલકો ખાડામાં પટકાઈ જવાની અને અકસ્માતનો ભોગ બનવાની ભિતી સેવાઈ રહી છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ખાડામાં ભરાઈ જતાં રસ્તાની વાસ્તવિક સ્થિતિનો અંદાજ લગવવો મુશ્કેલ બને છે. વાહનચાલકો માટે માર્ગ પરથી પસાર થવુ જાણે મોતને આમંત્રણ આપવા સમાન બની ગયુ છે. સ્થાનિકો દ્વારા માર્ગના નવીનીકરણ માટે તંત્ર સમક્ષ અનેક વખત રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.