પંચમહાલ જિલ્લાની ૬૦૦ આંગણવાડી કેન્દ્રોનુ ૬ માસથી ભાડું અટવાયુ

પંચમહાલમાં સરકારી મકાનોના અભાવે ભાડે ચાલતી ૬૦૦ આંગણવાડીઓનુ ૬ માસથી ભાડું ન ચુકવાતા મકાન માલિકોની ઉઘરાણી અને ખાલી કરવાની ધમકીથી કાર્યકરો પરેશાન છે. બીજી તરફ આઈસીડીએસ વિભાગે ભાડાના મકાનમાં ચાલતી ૬૦૦ આંગણવાડીના ભાડાના બિલો ટ્રેજરીમાં મોકલી આપ્યા હોવાનુ જણાવી રહી છે. ત્યારે જિલ્લામાં લાખો ‚પિયા ભાડામાં ચુકવવાને બદલે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તો સરકારી મકાનોમાં બાળકો યોગ્ય ભણતર મેળવી શકે તેમ છે.

પંચમહાલ જિલ્લામાં કાર્યરત બે હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો પૈકી સરકારી મકાનોના અભાવે, જર્જરિત હાલત કે નવા મકાનો ન બનવાના કારણે અંદાજે ૬૦૦ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. પરંતુ છેલ્લા છ મહિનાથી આ કેન્દ્રોનુ ભાડું મકાન માલિકોના ખાતામાં જમાં ન થતાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી ભાડું ન ચુકવાતા મકાન માલિકો દ્વારા આંગણવાડી બહેનો પાસે કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. અને કેટલાક કિસ્સાઓમાં મકાન ખાલી કરી દેવા સુધીની ધમકીઓ અપાઈ રહી છે. આ અંગે આંગણવાડી બહેનોએ તંત્ર સમક્ષ રજુઆત કરી પોતાની આર્થિક અને માનસિક વ્યથા ઠાલવી હતી. જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયત દ્વારા નવી આંગણવાડી બનાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી બાંધકામ શ‚ થઈ ચુકયુ નથી. બીજી તરફ કેટલાક સ્થળોએ જમીન માલિકો સાથેના વિવાદને કારણે તૈયાર થઈ ગયેલા મકાનોનો પણ ઉપયોગ થઈ શકતો નથી. જેના પરિણામે નાછુટકે ભાડાના મકાનોમાં કેન્દ્રો ચલાવવા પડે છે. હાલ તમામ ૬૦૦ આંગણવાડીઓના ભાડાના બિલો તૈયાર કરીને ટ્રેજરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અને ટુંક સમયમાં જ માલિકોને રકમ મળી જશે તેમ વિભાગ દ્વારા જણાવાયુ છે.