ઝાલોદના સીમલીયા ગામે દારૂ ભરેલી બોલેરો રસ્તા નીચે ઉતરી જતાં ચાલક ફરાર

લીમડી પોલીસને બાતમીના આધારે તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો; દારૂ સહિત રૂ. 5.16 લાખનો મુદ્દામાલ કબજે કરાય

ઝાલોદ તાલુકાના સીમલીયા ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. લીમડી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે સીમલીયા ગામે રસ્તાની બાજુમાં એક બોલેરો ગાડી ઉતરી ગઈ છે અને તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલી છે. મળેલી બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર તપાસ હાથ ધરી હતી.

પોલીસની ટીમ સીમલીયા ગામની પ્રાથમિક શાળાની બાજુમાં પહોંચી ત્યારે રસ્તાની નીચે સફેદ રંગની મહિન્દ્રા બોલેરો ગાડી નંબર GJ-10-DE-4746 ઉતરી ગયેલી જોવા મળી હતી. પંચોની હાજરીમાં ગાડીની તપાસ કરતાં પાછળની સીટ નીચે ખાખી રંગનાં બોક્સ મળી આવ્યાં હતાં. બોક્સ ખોલીને તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હિસ્કીની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી મળેલા દારૂના જથ્થાની ગણતરી કરતાં કાઉન્ટી ક્લબ ડિલક્સ વ્હિસ્કીની 180 મીલીની 96 બોટલો, જેની કિંમત રૂ. 9,504 થાય છે, જ્યારે માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ બીયરના 500 મીલીના 48 ટીન, જેની કિંમત રૂ. 6,576 થાય છે, મળી કુલ રૂ. 16,080નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત બોલેરો ગાડીની કિંમત રૂ. 5 લાખ આંકવામાં આવી હતી. આમ, પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બોલેરો ગાડી સહિત કુલ રૂ. 5,16,080નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ મામલે લીમડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સુનિલસિંહ વિજયસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 98(2) અને 116(બી) મુજબ ગુનો નોંધી ફરાર ચાલકને શોધવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.