
નિવૃત્ત થતા ૧૫૮ પ્રાથમિક શિક્ષકોને ધનતેરસના દિવસે જ જીપીએફ, પીપીઓ સહિતના તમામ લાભો હાથોહાથ અર્પણ કરી સન્માનિત કરાયા
સરકારી કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યારે પોતાના હકના નાણાકીય અને વહીવટી લાભો મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી એક પ્રશંસનીય અને અનોખી પરંપરા સ્થાપિત કરવામાં આવી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, મહીસાગર દ્વારા છેલ્લા ત્રણ સત્રથી વયનિવૃત્ત થતા શિક્ષકોને નિવૃત્તિના દિવસે જ તમામ લાભો હાથોહાથ આપી સન્માનવાની સરાહનીય પ્રથા શરૂ કરવામાં આવી છે.
આ જ પરંપરાને આગળ ધપાવતા, તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ વયનિવૃત્ત થનાર જિલ્લાના ૧૫૮ પ્રાથમિક શિક્ષકો માટે પણ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ દામાના સબળ માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પવિત્ર ધનતેરસના શુભ દિવસે એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ ૧૫૮ નિવૃત્ત થતા શિક્ષકોને તેમને મળવાપાત્ર નિવૃત્તિના તમામ લાભો જેવા કે જી.પી.એફ. (GPF) નો આખરી ઉપાડ, એલ.પી.સી. (LPC), ફોર્મ નંબર ૨૨, અને પી.પી.ઓ. (PPO) ની નકલ વગેરે દસ્તાવેજો એકસાથે રૂબરૂમાં અર્પણ કરી તેમનું શાલ ઓઢાડી કે પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
પોતાની સમગ્ર કારકિર્દી શિક્ષણ જગતને સમર્પિત કરનાર ગુરુજનોને નિવૃત્તિની સાથે જ કોઈપણ જાતની વહીવટી અડચણ વિના તમામ હકના લાભો મળી રહેતા શિક્ષકોમાં ભારે આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ નિવૃત્ત શિક્ષકોને નિરામય અને સુખમય નિવૃત્ત જીવનની તેમજ આગામી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.