મહીસાગર જીલ્લાના સંતરામપુર ખાતે જન જાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું

બાળ સંરક્ષણ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પૂર્વ સાંસદ રમિલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિ.

ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજનું યોગદાન અત્યંત ગૌરવપૂર્ણ રહ્યું છે – ધર્મિષ્ઠાબેન ગજ્જર.

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા જન જાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત આજ રોજ સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ સંરક્ષણ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા પૂર્વ સાંસદ રમિલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ માતૃશક્તિને સંબોધતા બાળ સંરક્ષણ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજનું યોગદાન અત્યંત ગૌરવપૂર્ણ રહ્યું છે. ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની વયે રાષ્ટ્ર અને સમાજના સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, જેમાંથી આજની યુવા પેઢી અને માતૃશક્તિએ પ્રેરણા લેવી જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી અને ખાસ કરીને મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘરે-ઘરે નળથી જળ, શૌચાલય નિર્માણ, સખી મંડળ અને મહિલા ઉત્કર્ષ યોજના થકી આજે નારીશક્તિ આત્મનિર્ભર અને પગભર બની છે.

પૂર્વ સાંસદ રમીલાબેન બારાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.

અંતમાં, રમીલાબેન બારાએ ઉપસ્થિત બહેનોને આહ્વાન કર્યું હતું કે તેઓ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડે અને ૨૦૪૭ના ’વિકસિત ભારત’ના નિર્માણમાં આદિવાસી સમાજ અગ્રેસર રહે તે માટે સહભાગી બને.

આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડિંડોરે ઉપસ્થિત માતાઓ અને બહેનોને સંબોધતા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલા સશક્તિકરણની કામગીરીની માહિતી આપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓને વિવિધ યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહિલા સંમેલનમાં જીલ્લા કલેક્ટર અર્પિત સાગર, જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર,નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, તાલુકા પંચાયત પ્રમુખઓ, પ્રાંત અધિકારી, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.