અજિત પવારના પ્લેન ક્રેશના CCTV:DyCM સહિત 5નાં મોત; પત્ની સુનેત્રા પવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. બુધવારે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા છે.

પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે જનસભાને સંબોધવા બારામતી જઈ રહ્યા હતા. તેઓ મુંબઈથી સવારે 8.10 વાગ્યે રવાના થયા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાઇલટે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહીં એટલે તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો.

પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. માહિતી મળી છે કે લેન્ડિંગ દરમિયાન પાઇલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ આપ્યું નહોતું. તેણે ‘મેડે’ કોલ પણ કર્યો નહોતો.

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ મુંબઈથી બારામતી જવા રવાના થઈ ગયા છે. તેમણે આજે શાળાઓમાં રજા અને 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. પવારના અંતિમ સંસ્કાર બારામતીમાં કરવામાં આવે તેવી શક્યતા છે. અજિતના કાકા શરદ પવાર બારામતી હોસ્પિટલ પહોંચી ગયા છે, જ્યાં તમામ મૃતદેહો લાવવામાં આવ્યા છે.

બીજી તરફ, એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIBએ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીની એક ટીમ દિલ્હીમાં વિમાનની ઓપરેટર કંપની VSR વેન્ચર્સની ઓફિસે પહોંચી છે. બીજી ટીમ બારામતી જવા રવાના થઈ ગઈ છે.

આ દરમિયાન VSR વેન્ચર્સે જણાવ્યું છે કે પાઇલટ પાસે 16 હજાર કલાકનો ફ્લાઈંગ એક્સપિરિયન્સ હતો. વિમાનના કો-પાઇલટ પાસે 1500 કલાકનો એક્સપિરિયન્સ હતો. કંપનીએ દાવો કર્યો છે કે એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી.

અજિત પવારની પાર્ટી NCP ભાજપ-શિવસેના મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ છે. તેમને મળીને પાર્ટીના કુલ 41 ધારાસભ્યો હતા. તેઓ પોતે નાયબ મુખ્યમંત્રી હતા. તેમના સિવાય 7 કેબિનેટ અને 1 રાજ્ય મંત્રી છે.