ઝાલોદના ઇતિહાસમાં પ્રથમવાર મગજનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું ; અચીવ હોસ્પિટલમાં તબીબોની સિદ્ધિ

ઝાલોદ નગરના તબીબી ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ઝાલોદની જાણીતી અચીવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પ્રથમ વખત મગજનું અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. ન્યૂરોસર્જનની ટીમ તથા ડો. હાર્દિક લબાના અને તેમની ટીમ દ્વારા એક બાળકનો જીવ બચાવીને ઝાલોદના તબીબી ઇતિહાસમાં નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક બાળકને ગંભીર હાલતમાં અને મગજની ઈજા સાથે અચીવ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ખૂબ જ નાજુક હતી અને તેને સતત ખેંચ (આંચકી) આવી રહી હતી. હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક

ધોરણે બાળકના મગજનો સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટમાં મગજમાં ગંભીર ઈજા અને જટિલ સમસ્યા જણાતા સર્જરી કરવી અનિવાર્ય બની હતી. મગજનું ઓપરેશન અત્યંત જોખમી અને જટિલ હોવા છતાં, ન્યૂરોસર્જન ડો. હાર્દિક લબાનાની આગેવાની હેઠળ અચીવ હોસ્પિટલની નિષ્ણાત ટીમે આ પડકાર ઉપાડી લીધો હતો. કલાકો સુધી ચાલેલી આ જટિલ સર્જરીમાં તબીબોને સફળતા મળી હતી અને બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે મગજની ગંભીર ઈજાઓ માટે દર્દીઓને વડોદરા કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં ખસેડવા પડતા હોય છે, જેમાં સમય બગડવાને કારણે ઘણીવાર દર્દીનો જીવ જોખમાતો હોય છે. પરંતુ ઝાલોદ નગરમાં જ સૌ પ્રથમવાર મગજનું ઓપરેશન સફળતાપૂર્વક થતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ છે. અચીવ હોસ્પિટલની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે, હવે સ્થાનિક સ્તરે પણ અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ છે. આ સફળ ઓપરેશન બદલ ડો. હાર્દિક લબાના અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.