
સકલ જૈન સંઘ દ્વારા શ્રી સીમંધર સ્વામી મહાવિદેહ પ્રાંગણમાં આજે પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ રાજેન્દ્ર સૂરિશ્ર્વરજીની 199મી જન્મ જયંતિ અને 119મી પુણ્યતિથી ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. સાધ્વીપૂ. શ્રી સ્વર્ણ જ્યોતિશ્રીજી મ.સા.આદિ ઠાણા-4 ની શુભ નિશ્રામાં સંપુર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સવારે ધ્વજવંદન કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દાદા ગુરૂદેવ શ્રી રાજેન્દ્રસૂરિશ્ર્વરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સકલ જૈન સંઘના પુરૂષો તથા મહિલાઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. શોભાયાત્રા બાદ દાદા રાજેન્દ્રસૂરિશ્ર્વરજીના માનમાં ગુણાનુવાદ સભા યોજાઈ હતી. જેમાં સાધ્વીજી શ્રી સ્વર્ણલતાજી મ.સા.આદિ ઠાણા પણ હાજર રહી પ્રવચન આપ્યુ હતું તથા વિભિન્ન શ્રાવક શ્રાવિકાઓ દ્વારા દાદા ગુરૂદેવ ના ગુણાનુવાદ કરવામાં આવ્યા હતા. આ અવસરે દીક્ષાર્થી પૂર્વીબેન ડોશી પણ ગુણાનુવાદ સભામાં સામેલ થયા અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમની દીક્ષા 16મી જાન્યુઆરીએ પાલીતાણામાં થવા જઈ રહી છે. તેમણે બધા લોકોને તેમની દીક્ષામાં સામેલ થવા આમંત્રણ પણ આપ્યું છે.