ઝાલોદ મનરેગામાં કૌભાંડ થયાના આક્ષેપ સાથે તપાસ કરવા રજુઆત કરાતા ખળભળાટ : ટીડીઓ પાસે રજૂઆતુ છતાં તપાસ નહીં થતાં અરજદાર દાહોદ DDOપાસે પહોંચ્યા

અધિકારીઓના સગાઓના નામે ચાલતી એજન્સીના નામે કરોડોના બીલો બનાવાયાના આક્ષેપ !! ઝાલોદ તાલુકા પંચાયતમાં મનરેગા યોજના હેઠળ માલ-સામાનના પુરવઠામાં કરોડો રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર થયો હોવાની ગંભીર ફરિયાદ ઉઠતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક અરજદાર નીલમબેન વસૈયા દ્વારા આ મામલે પ્રથમ ઝાલોદના તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. 5રંતુ તપાસમાં નિષ્ક્રિયતા જણાતા હવે દાહોદ જીલ્લા કક્ષાએ જીલ્લા વિકાસ અધિકારી (DDO) દાહોદને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

અરજીમાં નિલમબેન વસૈયાએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો છે કે, ઝાલોદ તાલુકા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને તેમના પરિવારના સભ્યોના નામે માલ-સામાન સપ્લાય કરતી એજન્સીઓ બનાવવામાં આવી છે. આ એજન્સીઓ દ્વારા મનરેગા યોજનાના કામોમાં કરોડો રૂપિયાના ખોટા બિલ રજૂ કરવામાં આવ્યા છે અને સરકારી નાણાંનો મોટા પાયે દુરૂપયોગ થયો છે.આ પ્રવૃત્તિ સરકારી નિયમોનો સ્પષ્ટ ભંગ અને જાહેર ભંડોળનો ગેરલાભ ઉઠાવવા જેવો ગંભીર ગુનો હોવાનું અરજીમાં જણાવાયું છે.

તાલુકા કક્ષાએ કાર્યવાહી ન થતાં અરજદારે જીલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવાયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં મનરેગા હેઠળ માલ સામાન સપ્લાય કરનારી તમામ એજન્સીઓની સંપૂર્ણ યાદી અને તેના બિલની ચકાસણી કરવામાં આવે. આ એજન્સીઓના માલિકો અને સંચાલકોના નામોની તપાસ કરવામાં આવે, જેથી ફરજ પરના કે ભૂતકાળમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોના નામ સામેલ છે કે કેમ તેની તપાસ થઈ શકે.

સમગ્ર કથિત ભ્રષ્ટાચારની ઊંડાણ પૂર્વક અને નિષ્યક્ષ તપાસ કરીને દોષિત જણાયેલા અધિકારીઓ અને એજન્સીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. આ કૌભાંડની રજૂઆત જીલ્લા કક્ષાએ પહોંચતા હવે જીલ્લા વિકાસ અધિકારી આ મામલે શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.