વિરપુર પોલીસે અરવલ્લીથી આવતી ઇક્કો ગાડીમાં લવાતો રૂ.૩.૮૮ લાખના દારૂ સાથે એક ઈસમને ઝડપ્યો

મહીસાગર જિલ્લાની વિરપુર પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવતી એક ઇક્કો કારને ઝડપી પાડી ₹3.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને લુણાવાડા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરી હતી. બાતમીના આધારે હડિયા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

વોચ દરમિયાન અરવલ્લી જીલ્લાના સાંઢા ગામ તરફથી ૠઉં-૩૫-ઇં-૧૩૮૫ નંબરની એક ઇક્કો કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારનો ચાલક વાહન મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં બેઠેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વનરાજસિંહ મનહરસિંહ સોલંકી, રહેવાસી સાંઢા, તાલુકો મોડાસા, જીલ્લો અરવલ્લી જણાવ્યું હતું.

કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 684 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,88,255 છે. આ ઉપરાંત ₹2 લાખની ઇક્કો કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ ₹3,88,255નો મુદ્દામાલ કબજે કર્યો છે.વિરપુર પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.