મહીસાગર જીલ્લામાં ચોમાસું સક્રિય થવાના સંકેત ખેડુતોમાં સારા વરસાદથી આશા બંધાઈ

મહીસાગર જીલ્લામાં ફરી એકવાર ચોમાસું સક્રિય થવાના સંકેતો જોવા મળી રહ્યા છે. આજે, ૨૦ જુલાઈ, સોમવારની વહેલી સવારથી જીલ્લાભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં સારા વરસાદની આશા જાગી છે.

જુલાઈ મહિનાની શ‚આતમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ ચોમાસામાં વિરામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે મહીસાગર જીલ્લામાં પણ વરસાદ થંભી ગયો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન હતા.

આજે વહેલી સવારથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે વરસાદની શક્યતાઓ પ્રબળ બની છે. જીલ્લાના ખાનપુર પંથકમાં સવારે ધીમીધારે હળવા વરસાદી છાંટા પણ નોંધાયા હતા. જીલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ બદલાયેલું વાતાવરણ ખેડૂતો માટે પણ આશાજનક બન્યું છે. જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. સારા વરસાદની આશાએ ખેડૂતો આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.

વાદળછાયા વાતાવરણ અને હળવા વરસાદી માહોલને કારણે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટ માંથી આંશિક રાહત મળી છે. હવે સૌની નજર આગામી કલાકોમાં સારો વરસાદ આવે તેના પર ટકેલી છે.