કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામના ર્ડા. મુકેશ રાઠવાએ રાજ્યસભાના સાંસદત રીકે શકપ ગ્રહણ કર્યા

કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામના યુવા નેતા અને ચિકિત્સક ડો. મુકેશભાઈ જામસિંહભાઈ રાઠવાએ આજે નવી દિલ્હી ખાતે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા.

આ શપથવિધિ સમારોહ રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ડો. મુકેશભાઈએ ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠા રાખીને પદની ફરજો શ્રદ્ધાપૂર્વક નિભાવવાની શપથ લીધી.

શપથ દરમિયાન તેમણે કહ્યું, “હું ડો. મુકેશભાઈ જામસિંહભાઈ રાઠવા, જે રાજ્યસભાના સદસ્ય નિર્વાચિત થયો છું, ઈશ્ર્વરની શપથ લઉં છું કે હું વિધિ દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. હું ભારતની પ્રભુતા અને અખંડતા જાળવીશ અને જે પદ હું ગ્રહણ કરવા જઈ રહ્યો છું તેના કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક નિભાવીશ.

નારંગી પાઘડી અને પરંપરાગત કેડીયામાં સજ્જ થઈને શપથ લેતા ડો. મુકેશભાઈ રાઠવાએ સદનમાં હાજરી આપી હતી. છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા જેવા નાના ગામથી દિલ્હીની રાજ્યસભા સુધી પહોંચવાનો તેમનો પ્રવાસ નોંધનીય છે.

ભાજપ તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ડો. રાઠવા યુવા ચહેરા તરીકે ઓળખાય છે. ગ્રાઉન્ડ લેવલ પર જનસેવા અને સામાજીક કાર્યોમાં સક્રિય રહેલા ડો. મુકેશભાઈ હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત, ખાસ કરીને આદિવાસી સમાજના પ્રશ્નોને મજબૂત રીતે રજૂ કરશે તેવી અપેક્ષા છે. આ શપથવિધિ દરમિયાન રાજ્યસભાના સદનમાં અન્ય સાંસદો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.