ઊંચાકલમ ગામે બોડેલી અને સંખેડા તાલુકા વચ્ચે અટવાયું ગ્રામજનો સુવિધા વંચિત

ઊંચાકલમ ગામ બોડેલી અને સંખેડા તાલુકા વચ્ચે વહીવટી ગૂંચવણમાં ફસાયેલું છે. આ કારણે ગ્રામજનો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગામના રહેવાસીઓ સંખેડા તાલુકામાં મતદાન કરે છે અને તેમની ગ્રામ પંચાયત પણ સંખેડામાં આવેલી છે.

જોકે, તેમના આધારકાર્ડમાં બોડેલી તાલુકો દર્શાવવામાં આવ્યો છે. આમ બે તાલુકા વચ્ચે અટવાતાં ઊંચા કલમના લોકોને મૂળભૂત સુવિધાઓ અને વહીવટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બોડેલી તાલુકાના ઊંચાકલમ વસાહતના લોકો મતદાન સંખેડા તાલુકામાં કરે છે. જ્યારે ગ્રામ પંચાયત પણ સંખેડા તાલુકામાં આવેલી છે. તેઓના આધારકાર્ડમાં બોડેલી તાલુકો લખાય છે, જ્યારે આવક-જાતિના દાખલા પણ બોડેલી તાલુકામાંથી આપવામાં આવે છે.

ગત ચૂંટણીમાં પણ ગ્રામ પંચાયત અલગ કરવાની માંગણી સાથે ઊંચા કલમના લોકોએ મતદાન બહિષ્કાર કર્યો હતો. આમ છતાં તંત્રે કોઇ કાળજી લીધી નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં જે નલ સે જલ યોજનામાં પાણીની ટાંકી બનાવાઇ છે તેમાં માટી ભરાઈ ગઈ છે.

જેથી પાણી પીવાલાયક નથી, દૂષિત આવે છે. આ વસાહતના લોકોની મુખ્ય સમસ્યા એ છે ક,ે બોડેલી તાલુકામાં ઊંચાકલમ ગામ આવે છે. જ્યારે તેઓને સંખેડા તાલુકાની સણોલી ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવામાં આવેલ છે. બે તાલુકાના વિભાજન વખતે તંત્રના અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી.