બોડેલી હોટલ સંચાલકોએ ગેસ અછતના મુદ્દે પુરવઠા વિભાગને આવેદન આપ્યું

છોટાઉદેપુર જીલ્લાના વેપારી મથક બોડેલીમાં હોટલો અને રેસ્ટોરન્ટો સહિત ખાણીપીણીના સંચાલકોને કોમર્શિયલ એલપીજી ગેસની અછતને લીધે પડતી મુશ્કેલીઓને લઇને બોડેલી હોટલ એસોસિએશને બોડેલી મામલતદાર કચેરીએ જઇને પુરવઠા વિભાગને આવેદન આપ્યું હતું.

બોડેલીમાં ૧૫ જેટલી મોટી હોટલો અને નાની અનેક રેસ્ટોરન્ટ આવેલી છે, તેઓને કોમર્શિયલ ગેસનો બોટલ પૂરતો ન મળતાં તેઓ ચૂલો અને સગડીનો ઉપયોગ નાછૂટકે કરી રહ્યા છે. પરંતુ તેનાથી અનેક સમસ્યાઓ ઊભી થઇ રહી છે અને પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે. ત્યારે બોડેલીની હોટલોને પૂરતો ગેસના બોટલનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરાઈ છે.

કેટલીક લારીઓ પર બોટલો જોવા મળે છે અને શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં પણ બોટલો જોવા મળી રહ્યા છે ત્યારે હોટલો માટે ભેદભાવ જોવા મળી રહ્યો છે. હોટલના ધંધા પર સમસ્યા સર્જાતાં રોજગારો માટે સંકટ સર્જાય તેમ છે. ત્યારે બોડેલીમાં સરકારના નિયમ મુજબ ૨૦ થી ૨૫ ટકા વધારાનો ગેસ સપ્લાય કરાય તેવી રજૂઆત સાથે હોટલ એસોસિએશનના સંચાલકોએ આવેદન આપ્યું હતું.