સંખેડા તાલુકાના સાંઢકૂવા ગામે સરકારી તંત્રની બેદરકારીનો જીવતો જાગતો નમૂનો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮થી શરૂ થયેલું આંગણવાડીનું નિર્માણ કાર્ય નવ-નવ વર્ષ વીતવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી.
આ મામલે સંખેડા મનરેગા શાખાના સૂત્રોએ સીધા આંગળી ચીંધતા જણાવ્યું છે કે સરપંચ દ્વારા આ કામ પૂરૂ કરાવવામાં આવતું નથી.આંગણવાડીમાં રસોડાનું કામ બાકી છે. આંગણવાડીના પોતાના મકાનના અભાવે હાલમાં નાનકડા ભૂલકાઓને આંગણવાડી કાર્યકરના ઘરે બેસવાની નોબત આવી છે, જે ડિજીટલ ઇન્ડિયાના યુગમાં તંત્ર માટે શરમજનક બાબત છે.
આ અધૂરી બનેલી આંગણવાડી અત્યારે જોખમનું કેન્દ્ર બની ગઇ છે. મકાનની આસપાસ ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને બિલકુલ બાજુમાં જ વીજળીની ડીપી આવેલી છે. આટલું ઓછું હોય તેમ મકાનની પાછળના ભાગે કોતર આવેલું હોવાથી વરસાદી પાણી અને ભૌગોલિક સ્થિતિ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે.
સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે કે આટલા વર્ષોથી કામ અધૂરૂ હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે? ગ્રામજનો હવે મનરેગા શાખા અને જવાબદાર વિભાગ પાસે તાત્કાલિક ધોરણે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જેથી માસૂમ બાળકોને સુરક્ષિત ભવન મળી રહે.
મેં ટીડીઓને રજૂઆત કરી હતી અમારા ગામની આંગણવાડીની બાજુમાં જ લાઇટની ડીપી છે. જેથી બાળકો માટે એ જોખમપ છે. બાજુમાં કૂવો છે. પાછળથી કોતર આવે છે. જેથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. ત્યારે આ બધા પ્રશ્નો હલ કરવા માટે મેં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.:- સુભાષભાઈ બારીયા, સાંઢકૂવા
સાત લાખ પિયાના ખર્ચે આંગણવાડી બનવાની હતી સંખેડા તાલુકા પંચાયત મનરેગા શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર સાંઢકુવા ગામની આંગણવાડી રૂ. ૭ લાખના ખર્ચે બનવાની હતી. સરપંચે કામ અધૂરૂરાખ્યું છે. સાંઢકુવાના સરપંચ અગાઉ બીજા હતા. હાલમાં બદલાયા છે. તંત્ર દ્વારા બાંધકામ બાબતે હોતા હૈ ચલતા હૈ જેવી નીતિ અપનાવાતી હોવાની ચર્ચા ચાલી રહી છે. તંત્ર બાંધકામ કરનાર ગ્રામ પંચાયત વિરૂદ્ધ કાર્યવાહી પણ નથી કરાતી. આ બધાની વચ્ચે બાળકોને સહન કરવાનું આવ્યું છે.