સંતરામપુર પોલીસે મહીસાગર નદીમાંથી લાખોનો દારૂ ઝડપ્યો:₹6.19 લાખનો વિદેશી દારૂ, બે હોડી જપ્ત; 4 આરોપી ફરાર

સંતરામપુર પોલીસે મહીસાગર નદી મારફતે થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રાત્રિના સમયે નાનીક્યાર ગામ નજીક નદી કિનારે દરોડો પાડી પોલીસે બે હોડીમાં ભરેલો લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. જોકે, મુખ્ય આરોપી સહિત ચાર શખ્સો મશીનવાળી હોડીમાં ફરાર થઈ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 2,283 બોટલો કબજે કરી હતી, જેની કિંમત આશરે ₹5.69 લાખ છે. આ ઉપરાંત, બે હોડી સહિત કુલ ₹6.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંતરામપુર પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. બૂટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે, પરંતુ પોલીસની બાજ નજરથી બચી શકતા નથી.

બાતમી મુજબ, રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના અંબાડા ગામનો શંકર કલાભાઈ ડોડિયાર પોતાના સાગરિતો સાથે નાવડા મારફતે મહીસાગર નદીના કિનારે દારૂનો જથ્થો ઉતારી રહ્યો હતો. પોલીસે વોચ ગોઠવી દરોડો પાડતાં ચારેય શખ્સો મશીનવાળી હોડીમાં બેસી ભાણાસીમલ ગામ તરફ ફરાર થઈ ગયા હતા.

આ કેસમાં મુખ્ય આરોપી શંકર કલાભાઈ ડોડિયાર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ અને શોધખોળ તેજ કરી છે.