
નસવાડી તાલુકાના બારીમહુડા ગામમાં સરકારની ‘નલ સે જલ’ યોજનાની નિષ્ફળતા સામે આવી છે. ઉનાળાની આકરી ગરમીમાં બારી મહુડા ફળિયાના ગ્રામજનો શુદ્ધ પાણીના અભાવે કૂવાનું અત્યંત દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે.
તાજેતરમાં જ ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના તાલુકા અને જીલ્લા પંચાયત સદસ્યોએ જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી, ત્યારે સરકારના વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ. કૂવાની સ્થિતિ જોઈ નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મહિલાઓ લીલવાળું ગંદુ પાણી ઉલેચી રહી હતી.
આ એક જ કૂવા પર ૨૦ ઘરોના ૧૨૦ લોકો નિર્ભર છે. ગ્રામજનોએ એકબીજા પાસેથી રોકડ રકમ એકઠી કરી નવો બોર તો કરાવ્યો છે. મોટર ખરીદવા માટે પૂરતા નાણાં ન હોવાથી કામ અટકી પડ્યું છે. આપના નેતાઓએ આ મામલે ભાજપ સરકારની આકરી ટીકા કરી છે. ગ્રામજનોની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે નસવાડી ટીડીઓ (ઝઉઘ) ને રજૂઆત કરવાની ખાતરી આપી છે.
પાણી પુરવઠાના અધિકારી કે નેતાઓએ ધ્યાન નથી આપ્યું બારી મહુડા મારો મત વિસ્તાર હોઇ અમે ચૂંટાયેલા સદસ્યો ગામની મુલાકાત લીધી તો કેટલીક મહિલાઓ પાણી કુવામાંથી ભરતી જોઈ. તેમની પૂછપરછ કરતા ત્યાં પાણીની સુવિધા નથીનું જાણવા મળ્યું. પાણી પુરવઠાના અધિકારીઓ કે ચૂંટાયેલા નેતાઓએ ધ્યાન નથી આપ્યું. અમો તલાટીને જાણ કરી છે. ટીડીઓને જાણ કરીશું. નલ સે જલની વાત છોડો, અહીંયા પાણી નથી આપ્યું એનું કંઈક કરવું જોઈએ. :- ગણેશ રાઠવા, તાલુકા પંચાયત સદસ્ય, કડુલીમહુડી…