તાલુકાના કલેડીયા ગામે ખેતરમાં ટ્રેક્ટર ચલાવી ખેડ કરવા મુદ્દે થયેલા વિવાદમાં એક જ પરિવારના ચાર સભ્યો પર લાકડી અને પથ્થરો વડે હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. કલેડીયાના રહીશ સંજયભાઈ નરસિંગભાઈ ભીલની ફરિયાદ મુજબ ૧૩ જૂને સવારે તેમના ખેતરમાં અજાણ્યો વ્યક્તિ ટ્રેક્ટરથી ખેડ કરી રહ્યો હતો. સંજયભાઈ, તેમના મોટાભાઈ અશ્ર્વિનભાઈ, પત્ની ગીતાબેન ત્યાં ગયા હતા. ખેડાણ બંધ કરવા કહ્યું હતું. આ સાંભળીને ત્યાં હાજર હરેશભાઈ કાઠીયાવાડી, દિલીપભાઈ ભીલ, કોકિલાબેન, જશીબેન, સંદિપભાઈ અને અણાબેન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. સંજયભાઈ અને તેમના પરિવાર પર હિંસક હુમલો કરી દીધો હતો
ફરિયાદ મુજબ હરેશભાઈએ લાકડી વડે અશ્ર્વિનભાઈના માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. દિલીપભાઈએ અસ્મિતાબેનના નાકના ભાગે લાકડી મારી હતી. લોહી નીકળ્યું હતું. સંજયભાઈ અને ગીતાબેનને પણ માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ ખેતરમાંથી પથ્થરો ઉઠાવી પથ્થરમારો કર્યો હોવાનો ઉલ્લેખ છે.
હુમલા દરમિયાન ખેતરમાં ફરી પગ મૂકશો તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ છે. હાથ-પગ તોડી નાખવાની ધમકી પણ અપાઈ હતી. બૂમાબૂમ થતાં ગામના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સંખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી. ડી. બારીયાએ ફરિયાદના આધારે છ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શ કરી છે.