સંખેડાના બોરતલાવ ગામે ગામતળના તળાવ આધારિત સિંચાઇ યોજના તૈયાર થશે

કેનાલના છૂટા પાણીના બદલે ખેતી માટે હવે ટપક સિંચાઇ પદ્ધતિથી પાણી અપાશે.

સંખેડા તાલુકાના બોરતલાવ ગામે ગામતળના તળાવ આધારિત સિંચાઇ યોજના તૈયાર થશે. ૨૮૫ હેકટર જમીનને ટપક સિંચાઇ પદ્ધતિથી પાણી આપવાનો પ્રોજેકટ હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે. કેનાલના છૂટા પાણીને બદલે ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી ખેતી માટે અપાશે જેથી પાણીનો બચાવ થશે.

સંખેડા તાલુકાના બોરતલાવ અને ગૈડિયા ગામ ગામની આશરે ૨૮૫ હેક્ટર જમીનને ટપક સિંચાઈ પદ્ધતિનો લાભ મળે તે માટે આ પ્રકારની પહેલી વખત વ્યવસ્થા આ વિસ્તારમાં થનાર છે. આ અંગે વધુમાં માહિતી આપતા નર્મદા કેનાલની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ અંગારી ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાંથી ગરડા નજીક અંદાજે ૧૭૦૦ મીટરની લાઈન નાખી બોરતલાવ ગામનું તળાવ ભરવામાં આવશે.

આ તળાવ માંથી લિફ્ટ કરી પાણી સંપમાં ભરવામાં આવશે. સંપ પાળા ઉપર પંપિંગ સિસ્ટમ ગોઠવીને તેના મારફતે ૨૮૫ હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશન માટે લેટરલ અને મેઇન પાઇપ દ્વારા પાણી અપાશે. સામાન્ય રીતે માર્ચ મહિના પછી કેનાલ બંધ થઈ જતું હોય છે. જોકે તે પહેલાં જ ગામના તળાવને ભરી લેવાશે. કેનાલનું પાણી છૂટું જાય છે.

તેની સામે ડ્રીપથી પાણી આપવામાં આવે તો તે સીધું છોડ સુધી જ પહોંચે છે. જેથી પાણીનો બચાવ થઈ શકે. આના માટે મંડળીની રચના પણ કરી દેવાઇ છે. સરદાર સરોવર અને જીજીઆરસીના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેક્ટ બનશે. આ પ્રોજેક્ટ અંદાજે ૧૧.૪૭ કરોડ ‚પિયાના ખર્ચે બનશે.

આ વિસ્તારમાં પહેલી વખત યોજના બનશે બોરતલાવ અને ગૈડિયા ગામની સીમમાં આવતી ૨૮૫ હેકટર જમીનને ખેતીની સિંચાઈ માટે ડ્રિપ ઇરિગેશનની યોજના બનશે. નર્મદા કેનાલ થકી તળાવ અને ત્યાંથી સંપ ભરીને પાણી પંપિંગ દ્વારા પાણી અપાશે. હાલમાં આ યોજના ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે. ડ્રિપને કારણે પાણીનો સંપૂર્ણપણે ઉપયોગ થઈ શકશે. આઈ.ડી.સોલંકી, ડેપ્યુટી એન્જિનિયર, નર્મદા કેનાલ, બહાદરપુર…