સંજેલી તાલુકાના કરંબા તળગામ ફળિયામાં વારસાઈના મુદ્દે ૬૫ વર્ષિય વૃદ્ધ માતા પર પુત્ર અને વહુ દ્વારા મારકુટ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ સંજેલી સરકારી દવાખાનામાં અને બાદમાં લીમડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
સંજેલી તાલુકાના કરંબા ગામના ૬૫ વર્ષિય વજીબેન રમુભાઈ ડામોર ૫ ફેબ્રુ.ના રોજ સવારે તેઓ પોતાના પુત્ર સુરમલભાઈ અને વહુ સંગીતાબેન સાથે મકાઈના ડોડા ફોલતા હતા. તે દરમિયાન પુત્ર સુરેશભાઈ અને વહુ રિંકુબેન ત્યાં આવી વારસાઈ કરાવવાની વાત કરીહતી. ત્યારે વજીબેને મુખ્ય વડીલ જીવિત હોવા સુધી વારસાઈ કેવી રીતે થશે એવુ કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. સુરેશભાઈએ ગાળો બોલી નજીકમાં પડેલી લાકડી વડે ડાબા હાથ પર માર માર્યો હતો. જયારે રિંકુબેને માથાના ભાગે બે ઝાપટો માર્યા હતા. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. વૃદ્ધાને ઈજાઓ થતાં તાત્કાલિક સંજેલી સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે લીમડી નાયક ઓર્થો.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ધરઆંગણે સમાધાનના પ્રયાસ નિષ્ફળ જતાં વજીબેને પુત્ર સુરેશભાઈ અને વહુ રિંકુબેન સામે ફરિયાદ નોંધાવી હતી.