દાહોદ શહેરમાં રહેતા ૨૮ વર્ષિય યુવનનુ અપહરણ કરી તેને જંગલ વિસ્તારમાં લઈ જઈ નિર્વસ્ત્ર હાલતમાં લાકડાના દંડા અને કમરના પટ્ટાથી માર માર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જુની અદાવતને કારણે પાંચ વ્યક્તિઓએ મળીને ધટના આચરી હોવાની ફરિયાદ દાહોદ બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.
દાહોદ શહેર નજીક દેલસર સુકન સોસાયટીમાં રહેતા અને ડેકન સેલ્સ સર્વિસ પ્રા.લિ.માં ટેક્નિશીયન તરીકે નોકરી કરતા ચિરાગભાઈ લક્ષ્મણસિંહ રાઠોડ નોકરી પુર્ણ કરી જીજે-૨૦-એસી-૪૧૧૯ નંબરની મોટરસાયકલ પર ધરે જઈ રહ્યા હતા. ત્યારે પરેલ સી સાઈટ નજીક મિતેશભાઈ ચોૈહાણ, હર્ષ પરમાર અને એક અજાણ્યો ઈસમ તેમની મોટરસાયકલ રોકી મોબાઈલ ઝુંટવી લીધો હતો. ત્યારબાદ ભાવિન પરમાર સફેદ શિફટ સાથે આવ્યો હતો. અને વિકાસ સાથે વાત કરવી છે…કહી બળજબરીથી કારમાં બેસાડી ગોધરા રોડ તરફ લઈ ગયા હતા. ઈન્દોૈર-અમદાવાદ હાઈવે મારફતે રાછરડા બજાર લઈ જઈ બાદમાં સાલાપાડા જંગલમાં ગાડી ઉભી રાખી હતી. ત્યાં વિકાસ દેવાભાઈ ચોૈહાણ પહોંચ્યો હતો. પત્નિ સાથે ફોન પર વાતચીત મુદ્દે ઉશ્કેરાઈ પાંચેયે ભેગા મળીને ચિરાગને નિર્વસ્ત્ર કરીને મારકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત ચિરાગને ૧૧૨ ઈમરજન્સી સેવા મારફતે પોલીસ સ્ટેશને લાવી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે પાંચ સામે અપહરણ, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.