સદભાવના મિશન ક્લાસ, બહારપુરા ગોધરાની પિતા વિહોણી દીકરી દિવ્યા સોલંકીએ GNMS નર્સિંગની ડિગ્રી મેળવી; શિક્ષક ઈમરાને વ્યક્ત કર્યો આનંદ અને ગૌરવ

ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં આવેલી સદભાવના મિશન ક્લાસમાં છેલ્લા ૧૬ વર્ષથી ગરીબ, અનાથ, પિતા વિહોણા અને મધ્યમવર્ગના પરિવારોનાં બાળકોને નિ:શુલ્ક શિક્ષણ-કોચિંગ આપીને તેમના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. આ સેવાભાવી સંસ્થાના સંચાલક ડો. સુજાત વલી છે, જ્યારે મુસ્લિમ સમાજના શિક્ષક ઈમરાન બાળકોને શિક્ષણ આપવાની સાથે તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ સંસ્થામાં અભ્યાસ કરીને આગળ વધેલી પિતા વિહોણી દીકરી સોલંકી દિવ્યા અર્જુનભાઈએ GNMS નર્સિંગની ડિગ્રી પ્રાપ્ત કરતાં સંસ્થાના શિક્ષક ઈમરાને આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

સોલંકી દિવ્યા અર્જુનભાઈએ સીમલિયા ખાતે આવેલી એકલવ્ય નર્સિંગ કોલેજ માંથી GNMS નર્સિંગની ડિગ્રી મેળવી પોતાની શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે. દિવ્યાના જીવનમાં પિતાની છત્રછાયા ન હોવા છતાં તેની માતા મનિષાબેન સોલંકીએ અથાગ પરિશ્રમ, મહેનત અને મજૂરી કરીને દીકરીનો ઉછેર કર્યો હતો. માતાએ દીકરીને સારા સંસ્કાર આપવાની સાથે તેના અભ્યાસમાં કોઈ કચાશ ન રહે તે માટે સતત સંઘર્ષ કર્યો હતો. માતાની મહેનત, દીકરીની લગન અને શિક્ષકોના માર્ગદર્શનના પરિણામે દિવ્યાએ નર્સિંગની ડિગ્રી મેળવી પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે.

સદભાવના મિશન ક્લાસના શિક્ષક ઈમરાને દિવ્યાને માત્ર વિદ્યાર્થીની તરીકે નહીં, પરંતુ પરિવારની દીકરી સમજીને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. પિતાની ખોટ અનુભવતી દીકરીને પિતાતુલ્ય હૂંફ, લાગણી અને સહકાર આપીને અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ‚પ થવું એ માનવતા, ભાઈચારા અને સામાજીક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સિદ્ધિથી દિવ્યાના પરિવારજનો તેમજ સંસ્થામાં આનંદની લાગણી પ્રસરી છે.

ઉલ્લેખનીય છે કે, સદભાવના મિશન ક્લાસમાં છેલ્લા ૧૬ વર્ષથી દરરોજ ૧૨૦થી વધુ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ-કોચિંગ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂક્યા છે. અહીંથી શિક્ષણ મેળવી અનેક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ, પ્રોફેસર, એન્જિનિયર, ફેશન ડિઝાઇનર, નર્સિંગ ક્ષેત્રના કર્મચારી તેમજ વિવિધ બેંકોમાં નોકરી મેળવી આત્મનિર્ભર બન્યા છે.

દિવ્યાની આ સિદ્ધિ બદલ સંસ્થાના સંચાલક ડો. સુજાત વલી, શિક્ષક ઈમરાન તથા વાલ્મીકિ સમાજના અગ્રણીઓ અને સભ્યોએ માતા મનિષાબેન સોલંકી અને દીકરી દિવ્યાને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં.

આ પ્રસંગ સમાજને સંદેશ આપે છે કે, શિક્ષણ, માનવતા અને પરસ્પર સહકારને કોઈ ધર્મ કે જ્ઞાતિની સીમા નડતી નથી. સદભાવના મિશન ક્લાસ દ્વારા આપવામાં આવતું નિ:શુલ્ક શિક્ષણ માત્ર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કાર્ય નથી, પરંતુ કોમી એકતા, ભાઈચારો અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો ઉમદા પ્રયાસ પણ છે. દિવ્યાની સફળતા અન્ય દીકરીઓ માટે પ્રેરણા‚પ બની રહેશે.