મોકામાના ધારાસભ્ય અનંત સિંહ જેલમાં પાછા ફરશે, સુપ્રીમ કોર્ટનો શરણાગતિ સ્વીકારવાનો આદેશ

ધારાસભ્ય અનંત સિંહને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન રદ કર્યા છે

મોકામાના શક્તિશાળી ધારાસભ્ય અનંત સિંહ જેલમાં પાછા ફરશે. સુપ્રીમ કોર્ટે દુલારચંદ યાદવ હત્યા કેસમાં મોકામાના ધારાસભ્ય અનંત સિંહને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન રદ કર્યા છે. કોર્ટે અનંત સિંહને ૧ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ અથવા તે પહેલાં અધિકારીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે બિહાર સરકારને તપાસ પૂર્ણ કરવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે. તપાસ પૂર્ણ થયા પછી કેસની ફરી સુનાવણી કરવામાં આવશે.

જસ્ટિસ એમ.એમ. સુન્દેશ અને પી.વી. વરાલેની બેન્ચે જણાવ્યું હતું કે અનંત સિંહને જામીન આપવાનો પટના હાઈકોર્ટનો નિર્ણય ભૂલભરેલો હતો કારણ કે તેણે ગુનાની પ્રકૃતિ અને અનંત સિંહના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લીધો ન હતો. તેથી, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો અને અનંત સિંહના જામીન રદ કર્યા. હાઈકોર્ટ દ્વારા આરોપી અનંત સિંહને આપવામાં આવેલા જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સિંહની મુÂક્તને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટના જામીન આદેશ પર સ્ટે મૂક્્યો અને તેમને આપવામાં આવેલી રાહત રદ કરી. આ અરજી મૃતકના પૌત્ર નીરજ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે જામીન આપતી વખતે અનંત સિંહના ગુનાહિત ઇતિહાસને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. આ પડકારે અનંત સિંહના ગુનાહિત રેકોર્ડનો ખુલાસો ન કરવા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા. સુનાવણી દરમિયાન, અરજદારે જણાવ્યું હતું કે અનંત સિંહ સામે ૬૭ ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હાઇકોર્ટે તેમને જામીન આપતી વખતે આ બાબતોને યોગ્ય રીતે ધ્યાનમાં લીધી ન હતી.

અનંત સિંહના વકીલ, સિદ્ધાર્થ દવે, ૬૭ કેસના આંકડા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની સામે ૧૩ કેસ પેન્ડિંગ છે, અને તેમાંથી ફક્ત એકમાં હત્યા અને હત્યાના પ્રયાસનો આરોપ છે. અનંત સિંહના વકીલે એવી પણ દલીલ કરી હતી કે કેટલાક સાક્ષીઓના નિવેદનો ઘટનાસ્થળે તેમની હાજરી અને ઘટનામાં સંડોવણીના આરોપોને સમર્થન આપતા નથી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત એટલું કહેવું પૂરતું નથી કે આરોપી સામે દાખલ કરાયેલા કેસ રાજકીય દુશ્મનાવટથી ઉદ્ભવ્યા છે. જામીન આપતી વખતે, આરોપોની ગંભીરતા અને આરોપીના ગુનાહિત રેકોર્ડને પણ ધ્યાનમાં લેવું જાઈએ. ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ, પટણા હાઇકોર્ટે અનંત સિંહને ૧૫,૦૦૦ ની જામીન પર નિયમિત જામીન આપ્યા હતા. કોર્ટે તેમને ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષના પુરાવા સાથે છેડછાડ ન કરવા અથવા સાક્ષીઓને ડરાવવાની ચેતવણી પણ આપી હતી.

આ કેસ ૨૦૨૫ ની બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આરજેડીના ભૂતપૂર્વ નેતા અને જન સૂરજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવના મૃત્યુ સાથે સંબંધિત છે. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ મોકામામાં દુલારચંદ યાદવની હત્યા કરવામાં આવી હતી. તે સમયે, જેડીયુ ટિકિટ પર ચૂંટણી લડી રહેલા અનંત સિંહ અને જન સૂરજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શીના ચૂંટણી પ્રચાર કાફલા સામસામે આવી ગયા હતા, જેના કારણે તેમના સમર્થકો વચ્ચે હિંસા થઈ હતી.

પોલીસ તપાસ મુજબ, અથડામણ દરમિયાન દુલારચંદ યાદવને કથિત રીતે એક એસયુવી દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો. તેમના પરિવારનો આરોપ છે કે તેમને પહેલા ગોળી મારી દેવામાં આવી હતી અને પછી વાહને કચડી નાખ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પાછળથી જાણવા મળ્યું કે તેમને હૃદય અને ફેફસામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જે બ્લન્ટ ફોર્સ ટ્રોમા સાથે સુસંગત હતી. તેમનું મૃત્યુ કાર્ડિયોરેસ્પરેટરી ફેલ્યોરથી થયું હતું. આ કેસમાં અનંત સિંહને મુખ્ય આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને ૧ નવેમ્બર, ૨૦૨૫ ની રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમના બે ભત્રીજાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ન્યાયિક કસ્ટડીમાં હોવા છતાં, અનંત સિંહે મોકામા વિધાનસભા ચૂંટણી લડી હતી અને રાજદ ઉમેદવાર વીણા દેવીને ૨૮,૨૦૬ મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી.

તાજેતરમાં,જદયુએ અનંત સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. પટના ગ્રેજ્યુએટ્‌સ મતવિસ્તારમાં જદયુ ઉમેદવાર નીરજ કુમાર સામે જન સૂરજ સમર્થિત ઉમેદવાર અનુજ સિંહને સમર્થન આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીએ બિહાર વિધાનસભા સ્પીકરનો સંપર્ક કરીને બંધારણની દસમી અનુસૂચિની પક્ષપલટા વિરોધી જાગવાઈઓ હેઠળ અનંત સિંહના સભ્યપદ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.