
રાજકોટના સોની બજાર અને બુલિયન માર્કેટમાં ચકચાર મચાવી દે તેવી ઠગાઈની ઘટના સામે આવી છે. રેસકોર્સ રિંગ રોડ પરની કલ્યાણ સોસાયટીમાં અને સોની બજારની ગઢની રંગ શેરીમાં ‘મારુતિ જ્વેલર્સ’ નામની પેઢી ધરાવતો હસમુખ ઉર્ફે હસુ શાંતિલાલ લોઢીયા ચાર સોની વેપારીઓનું કુલ ૭.૭૭ કરોડ રૂપિયાની કિંમતનું સોનું (ફાઇન ગોલ્ડ) ઓળવીને ફરાર થઈ ગયો છે.
આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, પ્રહલાદ પ્લોટમાં રહેતાં ૪૯ વર્ષીય જતીન ઉર્ફે કાના પાટડિયા છેલ્લા પંદરેક વર્ષથી સોની બજારની જૂની ગંધીવાડમાં રમેશચંદ્ર એન્ડ સન્સ નામની પેઢી ધરાવે છે.
તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, હસમુખને છેલ્લા દોઢ વર્ષથી ઓળખે છે. તે બુલીયન તરીકે કામ કરતો હોવાથી તેની સાથે વેપાર ધંધો કરતા હતા. ૨૬મી ઓક્ટોબરના રોજ હસમુખને કોલ કરી સોનું પડ્યું છે કે નહીં તેમ પૂછતાં તેણે હા પાડી હતી. ત્યારબાદ હસમુખે તેના માણસ વિજય ફુગશિયાને મોકલતા ફરિયાદએ તેને કટકે-કટકે તે જ દિવસે ચાર કિલો ફાઈન સોનું આપ્યું હતું.
હસમુખના કહેવાથી પાર્થ ગોલ્ડ પેઢીના માલીક હિરેન પાટડિયાને ૧ કિલો ફાઈન સોનું આપ્યું હતું. બુલીયનના ધંધાના નિયમ મુજબ ૨૪ કલાકની અંદર હસમુખે તેને ૭.૨૫ કરોડ રૂપિયાનું સોનું આપવાનું હતું. ૨૭મી ઓક્ટોબરે કોલ કરતાં હસમુખે સાંજે ૫ વાગ્યા સુધીમાં સોનું પરત આપી દેવાની વાત કરી હતી. જાકે પછીથી આરોપીએ મોબાઇલ ફોન બંધ કરી દેતાં સંપર્ક થયો ન હતો.હસમુખના ઘરે જતાં તેના પિતાએ અજાણ હોવાનું કહ્યું હતું.
વધુ તપાસ કરતાં આરોપી ભૂપેન્દ્ર રોડ પર મોનાર કોમ્પ્લેક્ષમાં ઓમ ગોલ્ડ નામની પેઢી ધરાવતા નિલેશ માંડલિયાનું ૨૯.૦૫ લાખ રૂપિયાનું ૨૦૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઈન સોનું, પેલેસ રોડ પર મનોજકુમાર મથુરાદાસ એન્ડ સન્સ નામની પેઢીના મનોજ ધોળકિયાનું ૧૪.૫૫ લાખ રૂપિયાનું ૧૦૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઈન સોનું અને સોની બજારમાં માધવ ઓર્નામેન્ટસ નામની પેઢી ધરાવતા હિતેશ માંડલિયાનું ૮.૭૩ લાખ રૂપિયાનું ૬૦ ગ્રામ ફાઈન સોનું ઓળવી ગયાની માહિતી મળી છે. આ રીતે ચારેય વેપારીઓનું ૭.૭૭ કરોડ રૂપિયાનું સોનું હસમુખ ઓળવી ગયો હતો.